મનોરંજન

Happy Birthday: હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેનું આ છે ગુજરાત કનેક્શન

જે સમયે ફોટા પણ એક ખાસ વર્ગની લક્ઝરી માનવામાં આવતા હતા અને કેમેરો હોવો એ પોતાનું થિયેટર હોવા જેટલી મોટી વાત હતી ત્યારે ફિલ્મ બનાવવાનો વિચાર કરવો અને ફિલ્મો બનાવવી તે સામાજિક રીતે અને ટેકનિકલ રીતે પણ એક બહુ જ મોટો પડકાર હતો. આ પડકાર જેમણે ઝીલ્યો અને ભારતીય સિનેમાનો પાયો નાખ્યો તે દાદાસાહેબ ફાળકેનો આજે જન્મદિવસ છે. હિન્દી ફિલ્મોનો પાયો નાખનાર આ મહાન વ્યક્તિત્વનો જન્મ ૩૦ એપ્રિલ ૧૮૭૦ ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

ધુંડિરાજ ફાળકેનો જન્મ ભલે મહારાષ્ટ્રમાં થયો હોય, પણ તેમનામાં કલાપ્રેમનું સિંચન ગુજરાતના વડોદરામાં થયું તેમ કહેવું ખોટું નહીં કહેવાય. દાદાસાહબે ફાળકેએ મૂર્તિકળા, ચિત્રકળા અને ફોટોગ્રાફી વડોદરાના કલાભવનમાંથી શિખી. અહીંથી શિખી તેઓ મુંબઈ ગયા. ત્યારબાદ ફોટોગ્રાફીમાંથી વીડિયોગ્રાફી અને ફિલ્મ બનાવવાની સફર શરૂ થઈ. ૧૯ વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે ૧૨૧ ફિલ્મોનું નિર્માણ કર્યું, જેમાં ૨૬ ટૂંકી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ફ્રેન્ચ ફિલ્મ જોઈને તેમને મન થયું કે તેઓ પણ ફિલ્મ બનાવશે. 1913માં તેમની પહેલી ફિલ્મ રાજા હરીશચંદ્ર બની. આ ફિલ્મ બનાવવા માટે તેમણે જે પરસેવો પાડ્યો તે આજના સમયના લોકોને લગભગ સમજાય નહીં. સૌથી મુશ્કેલ કામ હતું હીરોઈન શોધવાનું. રાજા હરીશચંદ્રના પત્ની તરીકે તારામતીનો રોલ કોણ કરે તે તેમને સૂઝતું ન હતું. હીરોઈન શોધવા તેઓ છેક રેડ લાઈટ એરિયામાં પણ ગયા હતા. જોકે અહીંની મહિલાઓએ આટલા ઓછા રૂપિયામા કામ કરવાની ના પાડી દીધી હતી. ફાળકે નિરાશ હતા અને એક ટપરી પર ચા પીતા હતા. તેમની નજર ઢાબા પર કામ કરતા રસૌયા પર પડી. નાજૂક નમણો રસૌયો તેમની નજરમાં વસી ગયો અને તે જ બન્યો તારામતી. આ તારામતી એટલે અન્ના સાળુંકે. તેમની ફિલ્મનું બજેટ હતું રૂ. 15,000.

જોકે આ પહેલીવાર ન હતું. ઘણીવાર ફિલ્મમાં હીરોઈન ન મળે તો દાદા સાહેબ પોતે સાડી પહેરતા અને પુરુષ કલાકારોને પણ સ્ત્રી ભૂમિકાઓ ભજવવાની તાલીમ આપતા. રાજા હરિશ્ચંદ્ર પછી દાદાસાહેબે ‘મોહિની ભસ્માસુર’ (1913), ‘સત્યવાન સાવિત્રી’ (1914), ‘ધનનું લંકા’ (1917), ‘શ્રી કૃષ્ણનો જન્મ’ (1918) અને ‘કાલિયા મર્દન’ (1919) જેવી ઐતિહાસિક ફિલ્મો બનાવી. તેમની છેલ્લી મૂક ફિલ્મ ‘સેતુબંધન’ હતી જ્યારે તેમની છેલ્લી બોલતી ફિલ્મ ‘ગંગાવતરણ’ હતી.

આપણ વાંચો:  પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવો જોઈએ? જાવેદ અખ્તરે આપ્યું મહત્વનું નિવેદન

આપણને હિન્દી સિનેમાનો ભવ્ય વારસો આપનારા દાદાસાહેબને સ્મરણાંજલિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button