Happy Birthday: મજબૂરીમાં કરેલા મોડલિંગે ટૉપ સ્ટાર સુધી પહોંચાડી દીધી

ફિલ્મજગતમાં આવવુ ઘણાનું સપનું હોય છે, પરંતુ અમુક લોકો માટે મજબૂરી અથવા તો પૈસા કમાવવાનું એક સાધન જ હોય છે. જોકે આ ગ્લેમર વર્લ્ડમાં એકવાર પગ મૂક્યા બાદ તે તમને અને તમે તેને સરળતાથી છોડી શકતા નથી. આજની બર્થ ડે સિલિબ્રિટી સાથે પણ આમ જ થયું છે. એક સમયે તેનાં પરિવાર પાસે તેની સ્કૂલ ફી ભરવાના પણ પૈસા ન હતા. અભિનેત્રી નાના-મોટા કામ કરી પોતાની ફી ભરતી હતી. તેવામાં કોઈએ મોડલિંગમાં જવા કહ્યું અને અભિનેત્રીએ મોડલિંગ કર્યું. એક ફિલ્મ નિર્માતાની નજર તેનાં પર પડી અને તેણે પહેલી ફિલ્મ સાઈન કરી. પહેલી ફિલ્મથી જ તે છવાઈ ગઈ. સાઉથનું આ જાણીતનું નામ બોલીવૂડ રસિયામાં પણ જાણીતું બન્યું અને તે પણ એક માત્ર આઈટમ સૉંગથી. ઉ અટવા માવા ગર્લ સમંથા રુથ પ્રભુનો આજે જન્મદિવસ છે. સમંથાએ 36 વર્ષની ઉંમરે જ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોઈ લીધા છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ હંમેશા પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. સામંથા તેના અભિનય માટે જાણીતી છે. સામંથાની સોશિયલ મીડિયા પર પણ જોરદાર ફેન ફોલોઈંગ છે.
સામંથાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગ તરીકે કરી હતી. અભિનેત્રીના નસીબે તેને મોડલિંગમાં પણ સુપરહિટ બનાવી હતી. સામંથાએ મજબૂરીમાં મોડલિંગ કર્યું, પરંતુ તેનાથી તેને આગળ વધવામાં ઘણી મદદ મળી. તેનું કામ જોઈને રવિ વર્મને તેને ફિલ્મની ઓફર કરી. સમંથા પહેલી જ ફિલ્મમાં ફેમસ થઈ ગઈ હતી અને તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને આજે સાઉથની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.
અભિનેત્રી સમંથાનો જન્મ 28 એપ્રિલ 1987ના રોજ ચેન્નઈમાં થયો હતો. સામંથાનું નામ યશોદા હતું. જ્યારે તે ભણતી હતી ત્યારે પરિવાર પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા. સામંથાએ જાતે કામ કરીને તેની ફી એકઠી કરી. ઘરની આર્થિક તંગી જોઈને સામંથાએ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
સામંથાની પ્રથમ ફિલ્મમાં જ તેણે નાગા ચૈતન્ય સાથે સ્ક્રીન શેર કરી હતી. આ સમય દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ થયો. સામંથા અને નાગા ચૈતન્યએ વર્ષ 2010માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને સાત વર્ષના સંબંધો બાદ બંનેએ વર્ષ 2017માં સગાઈ કરી હતી અને તે જ વર્ષે લગ્ન પણ કરી લીધા હતા. તેમના ફેન્સ પણ તેમના લગ્નથી ઘણા ખુશ હતા. જોકે સમંથાનું નામ અભિનેતા સિદ્ધાર્થ સાથે પણ જોડાયું હતું. તેમના ડેટિંગ અને બ્રેક અપના સમાચારો પણ વહેતા થયા હતા.
સામંથા અને નાગાના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2 ઓક્ટોબર, 2021 ના રોજ, સામંથા-નાગાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ બન્નેના છૂટા પડવાનું ચાહકોને પણ ગમ્યું નહીં. જોકે ગરીબીમાંથી આવી હોવા છતાં સમંથાએ છૂટછેડા સમયે ઓફ થયેલા રૂ. 200 કરોડની એલિમોની ઠુકરાવી હતી.
સમંથા થોડા સમય પહેલા બીમારીનો પણ શિકાર બની હતી. જોકે અભિનેત્રી હવે એકદમ ફીટ છે અને હિન્દી તેમ જ સાઉથની ફિલ્મોના શૂટમં વ્યસ્ત છે. સમંથા ચેરિટી કરવામાં પણ અવ્વલ છે. તે એનજીઓ ચલાવે છે.
સમંથાને જન્મદિવસની શુભકામનાઓ…..