મનોરંજન

Happy Birthday: છ નેશનલ એવોર્ડ વિજેતા અને કેનેડામાં પોતાના નામે સ્ટ્રીટ

હિન્દી સિનેમાજગતનું અભિન્ન અંગ છે સંગીત. એવી ઘણી ફિલ્મો છે કે જે માત્ર સારા ગીતો અને નૃત્યના જોર ચાલી હશે કે લોકોને હજુ પણ યાદ હશે. માત્ર સંગીત જ નહીં બેકગ્રાન્ડ મ્યુઝિક પણ ફિલ્મોને અલગ જ સ્તરે લઈ જતી હોય છે. ઘણીવાર એક આખું ગીત જે મજા ન આપે તે એક મ્યુઝિક પીસ પણ આપી દે છે. કોઈ જાહેરાતનું જિંગલ પણ લોકોના હોઠોમાં રમતું હોય છે. મોબાઈલ કંપની એરટેલની ટ્યૂન તો તમને યાદ જ હશે. આજે આ ટ્યૂન બનાવનારા એ.આર. રહેમાનનો જન્મદિવસ છે.

રહેમાને ઘણી હિન્દી ફિલ્મો પણ પોતાના સંગીતથી સજાવી છે. ‘રોજા’, ‘બોમ્બે’, ‘તાલ’, ‘જોધા અકબર’, ‘રંગ દે બસંતી’, ‘સ્વદેશ’, ‘રોકસ્ટાર’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. આજના દિવસે એટલે કે છઠ્ઠી જાન્યુઆરી એ જન્મેલા દિલીપ 57 વર્ષના થયા છે.


એઆર રહેમાનનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો અને તેનું નામ દિલીપ હતું. ત્યારબાદ 23 વર્ષની ઉંમરે રહેમાને ઈસ્લામ સ્વીકાર્યો અને પોતાનું નામ બદલીને અલ્લાહ રખા રહેમાન એટલે કે એઆર રહેમાન રાખ્યું.


એઆર રહેમાને મણિરત્નમની ફિલ્મ રોજાથી સંગીતકાર તરીકેની સફર શરૂ કરી હતી. આ ફિલ્મમાં મણિરત્નમે પીઢ સંગીતકાર ઇલૈયારાજાને બદલે રહેમાનને પસંદ કર્યો હતો. રહેમાનને રોજા માટે 25,000 રૂપિયા ફી આપવામાં આવી હતી. તેની પહેલી જ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તે બાદ હિન્દી ફિલ્મોમાં તેમનું સંગીત ખૂબ જ લોકપ્રિય બન્યુ. એક અલગ જ મેલોડી તેના સંગીતમાં લોકોને જોવા મળી.


સાવ સામન્ય પરિવારમાંથી આવેલા રહેમાને એટલું મોટું નામ કર્યું કે માર્કહામ (ઓન્ટારિયો, કેનેડા) માં એક શેરીનું નામ રહેમાનના નામ પર રાખવામાં આવ્યું છે. આ ગલીનું નામ અલ્લાહ રખા રહેમાન સ્ટ્રીટ રાખવામાં આવ્યું છે. રહેમાન કીબોર્ડ વગાડવામાં પણ પરફેક્ટ છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે એકવાર તેણે એક સાથે 4 કીબોર્ડ વગાડીને બધાને ચોંકાવી દીધા હતા. તેમની સંગીત અકાદમી છે, જે ઉચ્ચ કોટીના સંગીતકારો-ગાયકોને તાલીમ આપી રહી છે.


રહેમાને તેમના સંગીત માટે છ વખત નેશનલ એવોર્ડ જીત્યો છે. તેમાંથી પાંચ શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે અને એક શ્રેષ્ઠ બેકગ્રાન્ડ સ્કોર માટે છે. પહેલો એવોર્ડ 1992માં રોજા માટે, બીજો 1996માં તમિલ ફિલ્મ મીન્સરા કનાવુ માટે, ત્રીજો પુરસ્કાર 2001માં લગાન માટે, ચોથો એવોર્ડ 2002માં તમિલ ફિલ્મ કન્નાથિલ મુથામિત્તલ માટે અને પાંચમો પુરસ્કાર 2017માં તમિલ ફિલ્મ કાત્રુ વેલીદાઈ માટે મળ્યો હતો. 2017માં જ તેણે હિન્દી ફિલ્મ મોમ માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર કેટેગરીમાં નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો.


રહેમાનને ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે એક જ વર્ષમાં 2 ઓસ્કર મળ્યા હતા. સ્લમડોગ મિલિયોનેર ઉપરાંત રહેમાને હોલીવુડની ફિલ્મો 127 અવર્સ અને લોર્ડ ઓફ વોર માટે પણ સંગીત આપ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button