હેપ્પી બર્થ-ડેઃ એ ન્યૂઝપેપરની જાહેરાતે ‘હીમેન’ની જિંદગી બદલી નાખી…
મુંબઈઃ બોલીવુડના હીમેન એટલે ધર્મેન્દ્ર દેઓલ. છ દાયકાથી પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડનારા ‘શોલે’ના વિરુ રિયલ લાઈફમાં પણ જોરદાર સક્રિય રહે છે. આઠમી ડિસેમ્બરે ધરમપાજીનો બર્થડે છે, આજના જન્મદિવસે પરિવાર સહિત તેમના ચાહકોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું. આજની તારીખે દેઓલ પરિવારનું ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં વર્ચસ્વ છે, પણ એક જમાનામાં એક ફિલ્મ સાઈન કરવા માટે 51 રુપિયાની સાઈનિંગ અમાઉન્ટ મળી હતી.
વાત કરીએ આજના બર્થડે બોય ધરમપાજીની. ધર્મેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાણા જિલ્લાના સાહનેવાલ ગામમાં આઠમી ડિસેમ્બર 1935માં થયો હતો. બાળપણ શાનદાર હતું, પરંતુ બહુ મસ્તીખોર હતા. 19 વર્ષની નાની ઉંમરે ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એક ન્યૂઝપેપરની જાહેરાતે તેમની જિંદગી બદલી નાખી હતી. જાહેરાત જાણે એમ હતી કે મુંબઈનું ફિલ્મફેર મેગેઝિને એક કોમ્પિટિશન યોજી હતી, જેમાં જીતનારાને ફિલ્મમાં કામ કરવાની તક મળે. કમનસીબી એ હતી કે એ કોમ્પિટિશન તો ધર્મેન્દ્ર જીતી શક્યા નહોતા.
મુંબઈથી ગામ પરત ફર્યા પછી પણ મુંબઈ જઈને ફરી કામ કરવાનો નિર્ણય લીધો હતો. પૈસાની તંગીને કારણે ક્યારેક મુંબઈમાં ભૂખ્યા પેટ સૂવાની નોબત આવી હતી. સમય બદલાયા પછી ધર્મેન્દ્રને 1960માં ‘દિલ ભી તેરા ઔર હમ ભી તેરે’ પહેલી ફિલ્મ મળી હતી અને તેના માટે 51 રુપિયાની ફી મળી હતી. ફિલ્મોમાં કામ કરવાનું શરુ થયું. 1966માં ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ મહત્ત્વની સાબિત થઈ, ત્યારબાદ 70ના દાયકામાં ચમકી ગયા. ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘સીતા ઔર ગીતા’, ‘સમાધિ’, ‘રાજા જાની’, ‘યાદો કી બારાત’ અને ‘શોલે’ જેવી ફિલ્મો હીટ રહી હતી.
એના સિવાય સુપર એક્ટિંગ માટે હ્રષિકેશ મુખરજીની સત્યકામ (1969), અને ચુપકે ચુપકે (1975), રમેશ સિપ્પીની શોલે, ફૂલ ઔર પથ્થર, અનુપમા, સીતા ઔર ગીતા, યાદો કી બારાત, જીવન મૃત્યુ અને છેલ્લે 2007માં રિલીઝ થયેલી જ્હોની ગદ્દાર વિશેષ લોકપ્રિય રહી હતી.
એક પછી એક ફિલ્મો સફળ રહ્યા પછી પ્રકાશ મહેરાની ફિલ્મ ઝંઝીરની ઓફર ધર્મેન્દ્રને મળી હતી, પરંતુ ફિલ્મ સમાધિને કારણે ઈન્કાર કર્યો હતો. ત્યારપછી ઝંઝીર, દેવઆનંદ અને રાજકુમારને પણ ઓફર થઈ હતી. છેવટે એ ફિલ્મ અમિતાભને ઓફર થઈ સુપરહીટ સાબિત થઈ હતી.
300થી વધુ ફિલ્મો ધર્મેન્દ્ર કરી ચૂક્યા છે, જેમાં કરોડો રુપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે, જ્યારે તેમની કુલ નેટવર્થ પણ 450 કરોડથી વધુ છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મુંબઈ નજીકના હિલસ્ટેશન લોનાવલામાં ધર્મેન્દ્રનું 100 એકરનું ફાર્મહાઉસ છે, જ્યાં ખેતી પણ કરે છે. એકલા મહારાષ્ટ્રમાં 17 કરોડની મિલકત ધરાવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આજની તારીખે 88 વર્ષના ધર્મેન્દ્ર હવે ફિલ્મી કાર્યક્રમોમાં જોવા મળે છે, જ્યારે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યા હતા.