Ramayana Film: રામાયણ ફિલ્મ માટે એ આર રહેમાન સાથે હોલીવૂડના આ દિગ્ગજ કમ્પોઝર સંગીત આપશે

મુંબઈ: ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારીએ રામાયણ ફિલ્મ(Ramayana Film)નું શૂટિંગ શરૂ દીધું છે, આ ફિલ્મમાં રણબીર કપૂર(Ranbir Kapoor) ભગવાન રામના પાત્રમાં જોવા મળશે, આ ફિલ્મ અંગે જાહેરાત થયા બાદથી જ રામાયણ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી સીતા, સની દેઓલ હનુમાન અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. એવામાં આ ફિલ્મના મ્યુઝીક અંગે ચર્ચાએ જોર પકડ્યું છે, અહેવાલો મુજબ હોલીવૂડના મહાન મ્યુઝીક કમ્પોઝર ઓસ્કાર-વિજેતા હાંસ ઝિમર(Hans Zimmer) આ ફિલ્મ માટે એ.આર. રહેમાન સાથે મ્યુઝીક કમ્પોઝ કરશે. હાંસ ઝિમર ધ લાયન કિંગ, મેન ઓફ સ્ટીલ, ઈન્ટરસ્ટેલર, ડાર્ક નાઈટ ટ્રાયોલોજી, ઈન્સેપ્શન, ડ્યુન જેવી ફિલ્મોમાં મ્યુઝીક આપી ચુક્યા છે.
એક ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, હાંસ ઝિમર રામાયણ ફિલ્મ સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. ફિલ્મ નિર્માતા નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારી આ ફિલ્મને વૈશ્વિક સ્તરે કઈ જવા વિશે વાત કરતા આવ્યા છે, તેઓ આ ફિલ્મને વધુને વધુ વાસ્તવિક બનાવવા માટે કોઈ કમી છોડતા માંગતા નથી.
અહેવાલ મુજબ હાંસ ઝિમર પણ ભગવાન રામની વાર્તા માટેના આ દ્રષ્ટિકોણથી પ્રભાવીત થયા છે અને તેઓ રામાયણ માટે સંગીત આપવા તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે હાંસ અગાઉ રહેમાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. હાંસ 2 ઓસ્કાર એવોર્ડ, 4 ગ્રેમી એવોર્ડ જીતી ચુક્યા છે, ઉપરાંત 3 એમી એવોર્ડ અને 1 ટોની એવોર્ડ માટે પણ નોમીનેટ થઇ ચુક્યા છે.
સૂત્રએ એમ પણ જણાવ્યું કે ફિલ્મની આંતરરાષ્ટ્રીય રિલીઝ માટે મેકર્સ હોલીવુડ સ્ટુડિયો સાથે પણ વાતચીત કરી રહ્યા છે. હાલમાં વાતચીત પ્રારંભિક તબક્કામાં છે જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
‘રામાયણ’ને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે, આ ફિલ્મ કુલ 3 ભાગમાં બનાવવામાં આવશે. તેના પહેલા ભાગ માટે શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તે આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.