દિવસો જુદાઈના જાય છેઃ આ ફનકારના ગુજરાતી ગીતો સાંભળશો તો ફરી તેમના પ્રેમમાં પડી જશો
કોઈને યાદ ત્યારે કરાય જ્યારે તેને ભૂલી ગયા હોય, પણ આ રૂહાની અવાજના માલિકે તો દાવા સાથે વર્ષો પહેલા જ કહ્યું હતું કે તુમ મુજે યું ભૂલા ન પાઓગે…જીહા મહંમદ રફી. આજે તેનો જન્મદિવસ છે. એક એવો અવાજ કે જે ખરેખર સાંભળ્યા પછી પણ કાનોમાં ગૂંજતો જ રહે. જો તે નટખટ ગીત ગાય તો નાચવાનું મન થાય, ભજન ગાય તો મન ભક્તિમય બની જાય, રોમાન્ટિક ગીત ગાય તો પ્રેમની છોળો આપણા મનમાં પણ ઊડે ને દર્દભરેલું ગીત થાય તો આંખો છલકાયા વિના ન રહે. નશો કરવો હોય તો સંગીતનો કરવો અને સંગીતમાં પણ કોઈનો નશો કરવો હોય મહંમદ રફીનો કરવો તેમ કહેનારા અને માનનારા કરોડો સંગીતપ્રેમીઓ તેમને ભૂલ્યા જ નથી. તેમના હિન્દી ગીતો વિના લગભગ જૂના ગીતોના શોખિનોનો તો દિવસ જતો નહીં હોય ત્યારે આજે તેમના ગુજરાતી ગીતોની વાત કરીએ.
મહંમદ રફીએ ગાયેલા ગુજરાતી ગીતોની યાદી પણ લાંબી છે. શરૂઆત થઈ હતી લગભગ 1960થી. મહેંદી રંગ લાગ્યો ફિલ્મમાં તેમણે નૈન ચકચૂર છે, નૈન આતુર છે ગાયું હતું અને જાણો છો સ્ક્રીન પણ કોણ હતું…જ્યુબિલિકુમાર રાજેન્દ્ર કુમાર. અવિનાશ વ્યાસના સંગીતમાં લત્તા મંગેશકર સાથેનું આ ડ્યૂએટ હતું. તે બાદ ચૂંદડી ચોખા નામે આવેલી ફિલ્મમા અવિનાશ વ્યાસના સંગીતમાં જ તેમણે મુબારક તમોને એ રૂપિયાની થેલી ગાયું હતું. આ સાથે એક સમૂહ ગીત પણ ગાયું હતું. આ જ વર્ષમાં ફિલ્મ ઘરદીવડી માટે એ એ પલસી બહુ ઠસામાં ઠસી, એક બાજુ ધોતી ને બીજી બાજુ સાડી અને એક બાજુ નર અને એક બાજુ ખર એ ત્રણ ગીતો એમ સુમન કલ્યાણપુર સાથે ગાયા હતા. તે બાદ આવી દિલીપ ધોળકીયાના સંગીત સાથે સત્યાવાન સાવિત્રી જેમા મીઠડી નજર વાગી ગીત તેમનું ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ સાથે બીજા બે ગીત પણ ગાયા. તે બાદ 1974ની ફિલ્મ આ તો રમત રમાડે રામનું ગીત રોજ પ્રભાતે આ તો રમત રમાડે રામ કઈ રીતે ભૂલાય, અવિનાશ વ્યાસ સાથેનું આ ગીત ખૂબ જ લોકપ્રિય આજે પણ છે.
1966માં વસંત દેસાઈ સાથે મોટી બા માટે લખ્યા લલાટે લેખ ગીત તેમણે ગાયું હતું. મોટા ઘરની દિકરીમાં દિલીપ ધોળકીયા સાથે મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે. તે બાદ પહેલી ગુજરાતી કલર ફિલ્મ લીલુડી ધરતીનું અધવચ્ચે ફાટ્યો ડુંગરો…પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં તેમણે ગાયું હતું. આ પછી તેમણે સુરેશ કુમાર સાથે વિધિના લેખમાં ગીતો ગાયા. આ ઉપરાંત ચિતડાની ચાંદની, કંધોતર દીકરાની મોંઘી જનેતા, નૈન ક્યારે મળે જેવા ઘણા ગીતો તેમણે ગુજરાતી ફિલ્મજગતને આવ્યા છે. તેમણે લગભગ તેમના સમયના તમામ સંગીતકારો સાથે ગુજરાતી ગીતો ગાયા છે. તેમના ત્રણ નોન ફિલ્મ આલ્બમના ગીત, કહુ છું જવાનીને પાછી વળીજા…જે કવિ અવિનાશ વ્યાસે લખ્યું હતું, ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું…જે કવિ અમિન આઝાદનું છે અને ખૂબ જ યાદગાર એવી દિવસો જુદાઈના જાય છે… ગની દહીંવાલાની ગઝલ તેમણે ગાઈ છે જે આજે પણ એટલી જ સંભળાય છે.
24 ડિસેમ્બર, 1924ના રોજ જન્મેલા રફી સાહેબનો જન્મ પંજાબના કોટલા સુલતાનપુરમાં થયો હતો અને તેઓ જાણે ફિલ્મસંગીતની સલ્તનતના સુલતાન હોય તેમ લાગે છે.
તો આજે તેમના જન્મદિવસે આ સુલતાનને સલામ