Good news: બિગ બજેટ ફિલ્મો વચ્ચે થિયેટરોમાં અડ્ડો જમાવીને બેઠી છે આ બે ગુજરાતી ફિલ્મો…

ગઈકાલે થિયેટરોમાં અક્ષય કુમારની ફિલ્મ કેસરી-ચેપ્ટર-2 રિલિઝ થઈ છે. તે પહેલા સલમાન ખાનની સિકંદર અને સન્ની દેઓલની જાટ ફિલ્મ રિલિઝ થઈ હતી અને બન્ને હજુ થિયેટરોમાં ચાલી રહી છે. 2025ના પહેલા ક્વાર્ટરમાં છાવાને બાદ કરતા કોઈ ફિલ્મે ધારી સફળતા મેળવી નથી અને ઘણી તો થિયેટરોમાં એક-બે વિક કરતા વધારે ટકી નથી, પણ તમને જાણીને આનંદ થશે કે આ બિગ બજેટ ફિલ્મોના આક્રમણ વચ્ચે પણ બે ગુજરાતી ફિલ્મો થિયેટરોમાં ચાલી રહી છે અને અમુક શૉ તો હાઉસફુલ જાય છે જ્યારે મોટા ભાગના શોમાં થિયેટર ઓક્યુપન્સી સારી હોય છે.
આ બે ફિલ્મોમાં એક છે સાત મહિલાઓની વાર્તાવાળી ઉંબરો અને બીજી છે બાપ-દીકરાના ખાટામીઠા સંબંધો અને કોર્ટરૂમ ડ્રામાવાળી ઑલ ધ બેસ્ટ પંડ્યા. આ બન્ને ફિલ્મો અનુક્રમે 24મી જાન્યુઆરી અને 14મી માર્ચથી થિયેટરોમાં છે અને દર્શકોનો પ્રેમ મેળવી રહી છે.

ઉંબરોની વાત કરીએ તો એવરેસ્ટ એન્ટરટેઈનમેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત આ ફિલ્મ અભિષેક શાહે ડિરેક્ટ કરી છે. એકબીજાથી અજાણ સાત સ્ત્રીઓની લંડનની સફર અને પોતે પોતાની આસપાસ બાંધેલી સાંકડને તોડવાની વાત છે, પોતે જ બનાવેલા ઉંબરાને ઓળંગવાની વાત છે. આ ફિલ્મ હજુ ગુજરાતના અમુક થિયેટરોમાં ચાલી રહી છે. ચીલાચાલુ વાર્તા કે ફેમિનિઝમની મોટી મોટી વાતોથી દૂર આ હળવી ફિલ્મ મહિલાઓ સહિત યુવાનોને પણ ગમી છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ઝિમ્માનું એડોપ્શન છે.

તો બીજી બાજુ જિગર ચૌહાણ પ્રોડકશન્સ અને બુદ્ધપ્રિયા પિક્ચર્સ એલએલપી અને જેઆરકે ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ઑલ ધ બેસ્ટ પંડ્યા રાહુલ ભોલે અને વિનીત કનોજીયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને મલ્હાર ઠક્કર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરીયા અને વિદિશ ઝવેરી સહિતના કલાકારોએ અભિનય કર્યો છે. બાપ-દીકરાના વ્યક્ત ન થતા પ્રેમ અને રસપ્રદ કોર્ટરૂમ ડ્રામાને લીધે આ ફિલ્મ છઠ્ઠા વિકમાં પ્રવેશી છે અને સારી કમાણી પણ કરી રહી છે. અમદાવાદ-વડોદરામા આ ફિલ્મના દસ-બાર શૉ ચાલે છે અને અમુક શૉમાં લગભગ સૉ ટકા આસાપસ ઓક્યુપન્સી હોય છે. ફિલ્મના 40 કરતા વધારે શૉ હાઉસફુલ ગયા છે, તેવી માહિતી મળી છે.
એક કડવી હકીકત એ પણ છે કે ઘણીવાર ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં પ્રાઈમટાઈમ સ્લોટ્સ મળતા નથી. ઘણીવાર એમ પણ બને છે કે ફિલ્મનો શૉ હોય પણ અમુક સંખ્યામાં દર્શકો ન હોય તો શૉ રન થતો નથી. ફિલ્મ એક અઠવાડિયામાં તો થિયેટરોમાંથી ગાયબ થઈ જાય છે. આથી માઉથ પબ્લિસિટીનો લાભ મળતો નથી. જોકે માત્ર ગુજરાતી નહીં તમામ પ્રાદેશિક ફિલ્મોને મોટા બેનર્સની હિન્દી ફિલ્મોના મારા વચ્ચે થિયેટરમાં ટકી રહેવા પડકારો ઝીલવા પડતા હોય છે ત્યારે આ બન્ને ગુજરાતી ફિલ્મોએ સાબિત કર્યું છે કે કસ્ટમર (ઑડિયન્સ) જ કિંગ છે અને જો દર્શકો ઉત્સાહ બતાવે તો ટકી રહેવું શક્ય છે. બીજી બાજું બન્ને ફિલ્મો પણ દમદાર કથાનક અને અભિનય, નિર્દેશન સાથે બની છે, આથી ગુજરાતી નિર્માતાઓએ પણ દર્શકો નથી આવતાનું રોદણું છોડી દર્શકોને મજેદાર ફિલ્મો પિરસવી જોઈએ.
આપણ વાંચો : All The Best Pandya review : ગુજરાતીમાં કંઈક નવું જોઈતું હતું ને, લો આવી ગયું પણ…