Gujarati film Maharani review: સારા વિષયની ગાડી પાટા પરથી ઉતરી ગઈ ને… | મુંબઈ સમાચાર

Gujarati film Maharani review: સારા વિષયની ગાડી પાટા પરથી ઉતરી ગઈ ને…

ઘણા પ્રોફેશન એવા છે જે આપણી તાતી જરૂરિયાતો પૂરી કરી છે, પરંતુ તેમના વિશે વાતો નથી થતી. આવું જ એક પ્રોફેશન છે ઘરકામ. ઘરકામ કરતો નોકર કે નોકરાણી જેને ઘણા ઘરોમાં માસી કે કાકા કહીને બોલાવવામાં આવતા હોય છે તે કામવાળી બાઈ એક પરિવાર કે ગૃહિણીના જીવનમાં કેટલી મહત્વની છે તે તો તમે ઘરમાં જોતા જ હશો. આ ઘરકામ કરતી નોકરાણીની વાત લઈને એક ગુજરાતી ફિલ્મ ગઈકાલે રિલિઝ થઈ જેનું નામ છે મહારાણી. આવો જાણીએ ફિલ્મ કેવી છે

કેવી છે વાર્તા?

આ વાર્તા કામવાળી બાઈ રાણી (શ્રદ્ધા ડાંગર) અને તેનાં બહેન એટલે કે ઘરમાલિકણ માનસી (માનસી પારેખ)ની છે. મહિલા જ્યારે વર્કિગ મધર હોય ત્યારે કામવાળી તેની માટે ઑક્સિજનની ગરજ સારે છે. બેંકર માનસીની કામવાળી રાણી આમ તો ઘરના સભ્ય જેવી છે, પણ તેની મોડી આવવાની, મોબાઈલમાં વ્યસ્ત રહેવાની અને કામમાં ક્યારેક ભૂલો કરવાની આદત માનસી માટે માથાનો દુઃખાવો બને છે. બન્નેની નોકજોક અને તેમાંથી ઊભા થતા રિસામણા-મનામણાની વાત લઈને ફિલ્મ આવી છે. વાર્તાની શરૂઆતમાં જ બમ્બૈયા ગુજરાતીઓ માટેનું રેપસૉંગ છે. એટલે એવી આશા બંધાય કે મુંબઈની લાઈફને પણ એક્સપ્લોર કરવામાં આવશે, પણ એમ થતું નથી.

ફિલ્મની શરૂઆત સારી છે, પણ પછી વાર્તા ખોટી રીતે ખેંચાતી, રિપિટ થતાં સિન્સ વગેરે દર્શકોને બોર કરે છે. માનસીનો પતિ જિજ્ઞેશ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે કામ કરે છે ને દરેક વખતે તેને પાંચ-છ જાપાનીઝ સાથે મિટિંગ કરતો જ બતાવાય છે, પતિ-પત્નીના મમ્મીઓ પોતાપોતાના કામવાળા લઈને આવે અને તેમાં વળી જૈન અને વૈષ્ણવ ધર્મનો તડકો ઉમેરવાની કોશિશ, ક્લાઈમેક્સમાં પણ કામવાળીને ગીત ગાતી બતાવવી વગેરે ઘણી એવી વાતો છે, જે વિષયની ગાડીને બ્રેક મારી દે છે. ઘરની જૂની કામવાળી છોડીને જાય ત્યારે શું સમસ્યાઓ થાય તે બતાવાયું, પણ નોકરાણીઓના જીવનમાં જે ડોક્યું કરવાનું હતું તે રહી ગયું. ફિલ્મમાં કૉમેડીનો ડૉઝ છે એટલે ચહેરા પર હાસ્ય રહે છે, પણ હૃદયમાં જે વાત સ્પર્શવી જોઈએ તે માત્ર અડકીને ચાલી જાય છે. ફિલ્મમાં સૌથી વધારે અકળાવે છે તે છે બ્રાન્ડ્સનું પ્રમોશન.

કેવો છે અભિનય અને ડિરેક્શન?

ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો તમામે પોતપોતાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. વર્કિંગ વુમનના પાત્રમાં માનસી પારેખ, તેનાં પતિ તરીકે ઓજસ રાવલ અને નોકરાણી તરીકે શ્રદ્ધા ડાંગરે ઘણું જ સારું કામ કર્યું છે. સંજય ગોરડીયા પણ હસાવે છે. ફિલ્મનું સંગીત સારું છે અને તેમાં તાજગી છે.

વિરલ શાહનું દિગ્દર્શન સારું છે, પરંતુ ફિલ્મની વાર્તામાં ડિટેલિંગની જરૂર હતી. રિપિટેશન અવોઈડ કરી શકાય તેમ હતું. મુંબઈને વધારે એક્સપ્લોર કરવાની તકનો લાભ જોઈએ તેવો ન લેવાયો અને ક્લાઈમેક્સ પણ બહુ ખેંચાયો. એકંદરે ફિલ્મ વિષયને ન્યાય ન આપી શકી, પરંતુ ગુજરાતી ફિલ્મોમાં નવો વિષય લાવવા બદલ નિર્માતાઓની પ્રશંસા કરી શકાય. પરિવાર સાથે માત્ર મોજમજા માટે જવું હોય તો એકવાર થિયેટરમાં જઈ ફિલ્મ જોઈ શકાય તેવી છે.

મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3

આ પણ વાંચો…ઓટીટી પર આવી રહી છે વધુ એક સ્પાય થ્રિલર, જોવાનું ચૂકશો નહીં

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button