1000 કરોડના ઓનલાઇન પોન્ઝી કૌભાંડમાં ફસાયો બોલિવૂડ અભિનેતા
EOW કરશે પૂછપરછ
મુંબઇઃ બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે જોડાયેલા એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતાનું નામ 1000 કરોડ રૂપિયાના પાન ઈન્ડિયા ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં ‘ઓડિશા ઇકોનોમિક ઓફેન્સ વિંગ’ ગોવિંદાની પૂછપરછ કરશે.
ગોવિંદાએ મહેનત કરીને ઇન્ડસ્ટ્રીમાં એટલું નામ કમાવ્યું છે કે દરેક બાળક અભિનેતાને ઓળખે છે, પરંતુ હવે લાગે છે કે અભિનેતાનું નામ બદનામ થવા જઈ રહ્યું છે. કારણ કે હવે ગોવિંદા એક મોટા કૌભાંડમાં ફસાઈ ગયો છે. આમ પણ ગોવિંદાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. હવે ફરી એકવાર તે એક મોટા વિવાદનો શિકાર થતો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગોવિંદાએ એક પ્રમોશનલ વીડિયોમાં એક કંપનીનું પ્રમોશન કર્યું હતું જે પોન્ઝી સ્કેમ કરે છે. આ કૌભાંડ કરતી કંપનીનું નામ સોલર ટેકનો એલાયન્સ છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી હાલમાં EOWની કસ્ટડીમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોલર ટેકનો એલાયન્સ (STA-Token) ઘણા દેશોમાં ક્રિપ્ટો રોકાણના બહાના હેઠળ ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં સામેલ હતી.
અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો આ કૌભાંડનો શિકાર બન્યા છે. આ કંપનીએ બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોના લોકોને ટાર્ગેટ કર્યા હતા. કંપનીએ લગભગ 1000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. હવે EOW આ સંબંધમાં અભિનેતા ગોવિંદાની પૂછપરછ કરશે. EOW ઈન્સ્પેક્ટર જનરલ જે એન પંકજે આ મામલે કહ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં ફિલ્મ સ્ટાર ગોવિંદાની પૂછપરછ કરવા માટે એક ટીમ મુંબઈ મોકલીશું, તેમણે જુલાઈમાં ગોવામાં કંપનીના ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી અને કેટલાક વીડિયોમાં કંપનીનો પ્રચાર પણ કર્યો હતો.”
જોકે, રાહતની વાત એ છે કે EOW અનુસાર, ગોવિંદા આ કેસમાં આરોપી નથી. તેમના પર કોઇ પ્રકારની શંકા પણ વ્યક્ત કરવામાં નથી આવી રહી, પરંતુ સાચી હકીકત તો ગોવિંદાની પૂછપરછ થયા પછી જ સામે આવશે. જો એવું સાબિત થાય છે કે આ કેસમાં ગોવિંદાની સંડોવણી માત્ર સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ સુધી જ સીમિત છે તો તેમને આ કેસમાં સાક્ષી બનાવી શકાય છે.