એક્ટર ગોવિંદાને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા
મુંબઈ: ગોવિંદા સ્વસ્થ છે અને આજે તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે, એમ તેની પત્ની સુનીતા આહુજાએ અભિનેતાને પગમાં ઈજા થઈ તેના એક દિવસ પછી જણાવ્યું હતું. ૬૦ વર્ષીય અભિનેતાની મંગળવારે સર્જરી કરવામાં આવી હતી.
સુનીતાએ ગોવિંદાના ચાહકોને તેમની પ્રાર્થના બદ્દલ આભાર માન્યો અને કહ્યું કે, “ગોવિંદા સ્વસ્થ છે અને તેમને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. કાલે અથવા તેના પછીના દિવસે તેમને રજા આપવામાં આવશે. બધાના આશીર્વાદથી તેઓ સ્વસ્થ થયા છે.”
ગોવિંદાને મંગળવારે જ્યારે તેઓ એરપોર્ટ જવા નીકળવાના હતા ત્યારે તેના મુંબઈના ઘરે આકસ્મિક રીતે રિવોલ્વર વાગી જતાં પગમાં ઈજા થઈ હતી. સુનિતા જયપુરમાં હતી અને ઘટનાની જાણ થતાં તે મુંબઈ પરત આવી હતી.
આ પણ વાંચો :ગોવિંદાને ગોળી વાગી તો દુશ્મની ભૂલાવી પહોંચી ગઇ કાશ્મીરા શાહ
અકસ્માત બાદ અભિનેતાની સંભાળ રાખનાર ડૉ. રમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને ડાબા ઘૂંટણની નીચે ગોળી વાગી હતી અને તેમને ૮-૧૦ ટાંકા આવ્યા હતા.
સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ ઘટનાની સમાંતર તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી.