ગૌહર ખાનના પુત્રના બર્થ-ડે પાર્ટીના રંગમાં પડ્યો ભંગ, બીએમસીએ કર્યું….

બોલિવૂડ અને ટીવીની અભિનેત્રી ગૌહર ખાનના લાડલા પુત્રનો હાલમાં જન્મદિવસ હતો. અભિનેત્રી અને તેના પતિએ પુત્રના બર્થ-ડેને યાદગાર રીતે ઉજવવાની તૈયારી કરી હતી, પણ બીએમસીએ તેમના રંગમાં ભંગ પાડી દીધો હતો.
પુત્ર ઝેહાન એક વર્ષનો થયો હોવાની ખુશીમાં અભિનેત્રી ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારે ગુરુવારે મુંબઈમાં એક ભવ્ય પાર્ટી યોજી હતી. ગૌહર અને ઝૈદે મુંબઈની એક પોશ હોટેલમાં તેમના પુત્ર માટે જંગલ-થીમ આધારિત જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું અને પ્રવેશદ્વારમાં જંગલ-થીમ આધારિત વિશાળ દરવાજો પણ રાખવામાં આવ્યો હતો. જે મહેમાનોને જંગલ થીમ આધારીત પાર્ટીમાં આવકારતો હતો. જો કે, બીએમસીએ પાર્ટી સ્થળની બહાર ગેટ ઉભા કરવા સામે વાંધો લીધો હતો અને તેને દૂર કરવાની માંગ કરી હતી. જોકે, અભિનેત્રીએ બીએમસીની વાત નહી માનતા BMCના અધિકારીઓએ એક ટ્રક સાથે આવીને આખો ગેટ તોડી પાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ અધિકારીઓએ શરૂઆતમાં હોટલ સ્ટાફ અને ઇવેન્ટના આયોજકોને ફૂટપાથ પર બનાવેલા કામચલાઉ ગેટને દૂર કરવા કહ્યું હતું. બીએમસીના અધિકારીઓ અને ઇવેન્ટના આયોજકો એકબીજા સાથે દલીલબાજી કરવા માંડ્યા હતા. ઇવેન્ટના આયોજકોએ BMCની વાતનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે બીએમસી સત્તાવાળાઓએ મામલો પોતાના હાથમાં લીધો હતો. મામલો હાથમાંથી જતા જોઇને ઝૈદ બહાર આવ્યો હતો અને પુત્રના જન્મદિવસ પર વધુ નાટક ટાળવા માટે ગેટને તોડવાની મંજૂરી આપી હતી . ત્યાર બાદ બીએમસીએ ગેટ તોડી પાડ્યો હતો. કપલે હજુ સુધી સમગ્ર ઘટના અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
ગૌહર અને ઝૈદના પુત્ર ઝેહાનની સ્ટાર-સ્ટડેડ બર્થડે પાર્ટીમાં માહી વિજ, હિના ખાન, દેબીના બોનરજી, પંખુરી અવસ્થી અને અન્યોએ તેમના બેબી સાથે હાજરી આપી હતી