
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અનેક ફિલ્મી સિતારાઓ સામેલ થવા જઇ રહ્યા છે. જે બોલીવુડ સ્ટાર્સ સામેલ થવાના છે તેમની યાદી પણ બહાર આવી ગઇ છે.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની જ્યારે જાહેરાત થઇ ત્યારે અનેક સેલેબ્રિટીઝના નામની ચર્ચા તો થઇ જ રહી હતી, પરંતુ કોને બોલાવવા, કોને ન બોલાવવા તેની અટકળો વચ્ચે હવે એક કન્ફર્મ લિસ્ટ બહાર આવ્યું છે જેના પરથી બોલીવુડથી લઇને સાઉથના અનેક પ્રખ્યાત કલાકારોની હાજરી નિશ્ચિત થઇ છે.
આ મહોત્સવમાં અમિતાભ બચ્ચન, માધુરી દિક્ષીત, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, કેટરીના કૈફ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુપમ ખૈર સહિતના મોટા કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત દક્ષિણ ભારતીય સિનેમામાંથી ચિરંજીવી, રજનીકાંત, અને પ્રભાસ આ સમારોહમાં સામેલ થશે. જુનિયર NTRને પણ આમંત્રણ અપાયું હતું જો કે તે તેની વર્ક કમિટમેન્ટ્સને કારણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહી રહી શકે તેમ તેણે કહ્યું છે. લગભગ 4000 જેટલા સાધુસંતો તથા અન્ય મહેમાનો મળીને કુલ 7 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ધીમે ધીમે મહેમાનોનું આગમન પણ થવા લાગ્યું છે, માતા સીતા એટલે કે દિપીકા ચીખલિયા લાલ સાડી અને કપાળે ચાંદલો લગાવીને અયોધ્યા પહોંચ્યા હતા, તેમની સામે પ્રભુ શ્રીરામ અને ભાઇ લક્ષ્મણ એટલે કે અરૂણ ગોવિલ અને સુનીલ લહેરી પણ પીળા કુર્તા-પજામામાં જોવા મળ્યા હતા. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ-સીતા અને લક્ષ્મણ પોતાના ચાહકોને એક ખાસ ભેટ આપવાના છે. સોનુ નિગમના અવાજમાં ‘હમારે રામ આયે હૈ’ ગીત રિલીઝ કરવામાં આવશે જેમાં આ ત્રિપુટી એકસાથે દેખાશે.