રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતાને મળી જાનથી મારવાની ધમકી, ઓપરેશન સિંદૂર સાથે છે કનેક્શન

નોઈડાઃ ઓપરેશન સિંદૂરના અત્યારે ભારતભરમાં વખાણ થઈ રહ્યાં છે. પરંતુ આ દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા (National Award Winner) ફિલ્મ નિર્માતા વિનોદ કાપડી (Filmmaker Vinod Kapadi)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિનોદ કાપડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ‘say to no war’ લખ્યું હતું. જેને લઈને અનેક યુઝર્સ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મ નિર્માતા વિનોદ કાપડીનો વ્યક્તિગત મોબાઈલ નંબર પણ વાયરલ થઈ રહ્યો છે. સોશિલય મીડિયા સાથે સાથે કોલ અને મેસેજ દ્વારા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.
વિનોદ કાપડીએ એક્સ પર લખ્યું હતું ‘say to no war’
આ મામલે વિનોદ કાપડીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ પોલીસે બે નામાંકિત અને અનેક અજ્ઞાત લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે વિનોદ કાપડીએ 8મી મે 2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ‘say to no war’ લખ્યું હતું. જે બાદ લોકોએ ધમાકીઓ આપવાનું શરૂ કર્યું છે. આરોપીઓએ વિનોદ કાપડીનો નંબર પણ સોશિયલ મીડિયામાં શેર કરી દીધો છે. આ કેસમાં હવે પોલીસે વધારે તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: જો ભારત આવ્યો તો.. ચેમ્પિયન્સ ટ્રોફીના હીરોને મળી હતી જાનથી મારવાની ધમકી…
લોકોએ ફેસબુકમાં વિનોદ કાપડીનો નંબર પણ શેર કર્યો
કાર્યવાહીની વાત કરવામાં આવે તો પ્રવીણ કુમાર સોની નામના વ્યક્તિએ સૌથી પહેલા ફેસબુકમાં લોકોને આ પોસ્ટ વિરૂદ્ધ ભડકાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ અરૂણ યાદવના નામના વ્યક્તિએ ફેસબુકમાં વિનોદ કાપડીનો નંબર પણ શેર કર્યો હતો. લોકો હત્યાની ધમકી સાથે ગાળો પણ લખી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં લોકો વિનોદ કાપડીની પત્ની સાથે દુષ્કર્મ કરવાની ધમકી પણ આપી રહ્યાં હતાં. જેથી ફિલ્મ નિર્માતાએ ધમકી આપનારા આરોપીઓને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેમના અંગત નંબરો દૂર કરવા વિનંતી કરી છે.
પોલીસે આ કેસમાં આઈટી સેલની પણ મદદ લીધી
આ મામલે પોલીસે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. સોશિયલ મીડિયામાં ધમકી આપનારા લોકોનો ઓળખી કાઢવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, આરોપીઓ સામે સત્વરે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ કેસમાં આઈટી સેલની પણ મદદ લીધી છે. ફિલ્મ નિર્માતા વિનોદ કાપાડીએ પણ પોલીસને વિનંતી કરી છે કે, આ કેસમાં ઝડપી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે.