મનોરંજન

હૉસ્પિટલમાં જીવન-મરણની જંગ લડી રહ્યા છે આ સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર

અમિતાભથી લઈને કાજોલ સુધી દરેકના કપડાં ડિઝાઈન કર્યા છે

નવી દિલ્હીઃ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. બી-ટાઉનના ફેમસ ફેશન ડિઝાઈનર રોહિત બાલની હાલત ઠીક નથી. અહેવાલો અનુસાર, 62 વર્ષીય રોહિત હૃદય રોગને કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે રોહિતને 3 દિવસ પહેલા મૂળચંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના મિત્રએ રોહિતની તબિયત અંગે ખુલાસો કર્યો છે કે તેની હાલત છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ નાજુક છે. આ સમાચારે પ્રખ્યાત ફેશન ડિઝાઇનરના મિત્રો અને ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.

રોહિતનું નામ દેશના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સની યાદીમાં સામેલ છે, જેઓ મુગલ ફેશનને પ્રમોટ કરવા માટે પ્રખ્યાત છે. રોહિતના મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ અને ચેન્નાઈ સહિત ઘણી જગ્યાએ સ્ટોર્સ છે. રોહિતનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણું ફેમસ છે. તેણે અમિતાભ બચ્ચનથી લઈને કંગના રનૌત, કાજોલ, કરીના કપૂર, સોનમ કપૂર અને એશા ગુપ્તા સુધીની ઘણી હસ્તીઓ માટે કપડાં ડિઝાઇન કર્યા છે. રોહિતને 2001 અને 2004માં ઈન્ટરનેશનલ ફેશન એવોર્ડ્સમાં ‘ડિઝાઈનર ઓફ ધ યર’નો ખિતાબ પણ મળ્યો છે.


રોહિતનો જન્મ 8 મે 1961ના રોજ શ્રીનગરમાં થયો હતો.આ પહેલા વર્ષ 2010માં પણ રોહિતને હાર્ટ એટેક આવ્યો હતો. સમાચાર અનુસાર રોહિતને તેની લતના કારણે રિહેબની મદદ પણ લેવી પડી હતી. આલ્કોહોલ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે ગયા વર્ષે નવેમ્બરમાં પણ રોહિતની તબિયત બગડી હતી. તે સમયે પણ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, થોડી સારવાર બાદ રોહિત સ્વસ્થ થઈ ગયા હતા. આપણે આશા રાખીએ કે રોહિત ફરી એકવાર જલ્દી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button