Happy Birthday: માતાએ ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપ્યા બાદ દીકરાએ…

દીકરો કે દીકરી અમુક ઉંમરના થાય અને પછી જો જવાબદારી સંભાળતા કે યોગ્ય રીત અભ્યાસ કરતા ન હોય તો માતા-પિતાએ સખત થવું પડે છે. પછી માતા-પિતા ભલે ગમે તેવું મોટું નામ ધરાવતા હોય. આવું જ થયું હતું આજના બર્થ ડે સેલિબ્રિટી સાથે. આમ તો તેણે 17 વર્ષની ઉંમરથી કામ શરૂ કર્યું પણ પછી કામ છોડ્યું, ભણવાનું પણ છોડી દીધું અને ઘરમાં બેસી રહ્યો. આથી થોડા સમય બાદ મમ્મીએ ધમકી આપી કે જો કંઈ નહીં કરે તો ઘરની બહાર કાઢી મૂકીશ. હવે ખબર નહીં આ ધમકી અસર કરી ગઈ કે બીજું કંઈ, પણ દીકરાએ લખી નાખી એક ફિલ્મ અને તે સાબિત થઈ સુપરડુપર હીટ. આમા મજાની વાત એ પણ છે કે ધમકી આપનાર મા પણ લેખિકા જ છે અને દીકરો પણ એવો સારો લેખક. પણ સાથે સારો ડિરેક્ટર, સિંગર અને એક્ટર પણ. અને જ્યારે મા-દીકરાની વાત થાય ત્યારે પિતા કેમ ભૂલાઈ જાય. પિતાનો લેખક અને કવિ તરીકેનો દરજ્જો તો લગભગ ઈન્ડસ્ટ્રી નહીં પણ દેશમાં ઘણો ઊંચો. બસ હવે કહી જ દઈએ કે આજે ફરહાન અખ્તરનો જન્મદિવસ છે.
ફરહાન અખ્તરની ઈમેજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓલરાઉન્ડરની છે. અભિનય હોય કે દિગ્દર્શન, તેણે દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે દિગ્દર્શન, અભિનય, ગાયન અને લેખનમાં પણ તેની કુશળતા સાબિત કરી છે.
હિન્દી સિનેમાના પ્રખ્યાત ફિલ્મ પરિવારમાં જન્મ્યા હોવા છતાં ફરહાન અખ્તરે પોતાના જોરે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 9 જાન્યુઆરી એ અભિનેતા-ફિલ્મ નિર્માતાનો 50મો જન્મદિવસ છે.
ફરહાન અખ્તર પીઢ ગીતકાર અને લેખક જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર છે. સ્ટાર કિડ હોવાના કારણે તે હંમેશા ચર્ચામાં રહેતો હતો, પરંતુ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા ઘણી મહેનત કરવી પડી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે ફરહાને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 1991માં તેણે ફિલ્મ ‘લમ્હે’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી, 1997 માં, તેણે નિર્દેશક પંકજ પરાશરની ફિલ્મ ‘હિમાલય પુત્ર’માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. અક્ષય ખન્નાએ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે, ફરહાનનો અસલી સંઘર્ષ આ પછી શરૂ થયો.
ફરહાન અખ્તર કોલેજ ડ્રોપઆઉટ છે. આ પછી તે ઘણો સમય ઘરમાં બેઠો રહ્યો. તેની માતાને આ પસંદ ન હતું. બેરોજગાર રહેવાની અને ઘરે બેસી રહેવાની આદતને કારણે તેની માતાએ તેને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી. આ ડરને કારણે ફરહાને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું અને અહીંથી દિલ ચાહતા હૈની સ્ક્રિપ્ટ બહાર આવી. બસ, આ ફિલ્મે તેની કરિયર તો આગળ ધપાવી પણ હિન્દી સિનેમામાં અલગ રીતે વાર્તા કહેવાનો એક યુગ શરૂ કર્યો. આ ફિલ્મ આજે પણ કલ્ટ મૂવી માનવામાં આવે છે, જેણે બદલાતી સદીમાં પવનની બદલાતી દિશાને ઓળખી હતી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આ પછી તેણે લક્ષ્ય ફિલ્મ પણ ડિરેક્ટ કરી. આ ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ, ફરહાન અહીં જ અટક્યો નહીં. આ પછી તેણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો અને અહીં પણ તેણે જબરદસ્ત પરચો આપ્યો પોતાની કલાનો. ફરહાન અખ્તરે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘રોક ઓન’થી કરી હતી. આ ફિલ્મમાં તેણે ગીતો પણ ગાયા છે. દર્શકોએ પણ ફરહાનને અભિનેતા અને ગાયક તરીકે આ રૂપમાં પસંદ કર્યો. આ પછી તેણે ‘લક બાય ચાન્સ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું.
ફરહાન અખ્તરે હોલીવુડ ફિલ્મોમાં પણ પોતાની પાંખો ફેલાવી છે. તેણે પ્રખ્યાત ફિલ્મ ‘બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ’ના સાઉન્ડ ટ્રેક દ્વારા અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું. તાજેતરમાં ઓટીટી પર રીલિઝ થયેલી ફિલ્મ ખો ગયે હમ કહાં પણ તેના જ કેમ્પની છે. જોકે છેલ્લા અમુક સમયથી તેની ગેરહાજરી વર્તાઈ રહી છે ત્યારે આશા રાખીએ ફરીથી તે આપણી માટે કંઈક નવી હવાની લહેર જેવી ફિલ્મ લઈને આવે.
ફરહાનને જન્મદિવસ મુબારક