જાણીતી અભિનેત્રીની વ્યથા, ફોલોઅર્સ નથી એટલે કામ નથી મળતું, મને કામ આપો

એકવાર નહીં, પણ ઘણીવાર પોતાના અભિનયનો પરિચય આપનારી ટીવી અને ફિલ્મજગતની અભિનેત્રીએ કામ માગવાનો વારો આવ્યો છે. કામ ન મળવાનું અથવા તો હતા એ કામ હાથમાંથી પાછા જવાનું કારણ આ અભિનેત્રીએ જે જણાવ્યું છે તે પણ ચોંકાવનારું છે.
પેજ થ્રી, દિલ ચાહતા હૈ, સાથિયા જેવી ફિલ્મોમાં કામ કરનારી અને કોશિશ જેવી ટીવી સિરિયલોથી ઘરે ઘરે ફેમસ થનારી સંધ્યા મૃદુલનો એક વીડિયો વાયરલ થયો છે, જે ચમકતી ફિલ્મીદુનિયાની કાળી બાજુ દર્શાવી રહી છે.
આ પહેલીવાર નથી કે કોઈ અભિનેત્રીએ આ રીતે કામ માગ્યું હોય. થોડા સમય પહેલા નીના ગુપ્તા અને જયા ભટ્ટાચાર્યએ પણ પોતાની પાસે કામ ન હોવાની અને કામ આપવાની વિનંતી જાહેરમાં કરી હતી.
સંધ્યા મૃદુલે એક વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું છે કે મારી પાસે કામ નથી અને પૈસા પણ નથી. આગળ સંધ્યાએ જણાવ્યું છે કે મને કામ ન મળવાનું એક કારણ એ આપવામાં આવે છે કે મારા સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ નથી. જો કામ નહીં આપો તો ફેમસ કઈ રીતે થવાશે અને ફેમસ નહીં થાઉં તો સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ કઈ રીતે વધશે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે મારી મેનેજરનું કહેવાનું છે કે મારો લૂક શ્રીમંત વ્યક્તિ જેવો છે. સંધ્યા કહે છે કે ભઈ મારો લૂક શ્રીમંત જેવો છે, પરંતુ હું નથી. મને કામ નહીં આપો તો હું શ્રીમંત બનીશ કઈ રીતે. અભિનેત્રી મદદ કરવાની અપીલ પણ કરે છે.
ફિલ્મજગતમાં એક સમયે કલાકારો દર વખતે ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટ માટે વિરોધ દાખવતા હતા ત્યારે હવે સોશિયલ મીડિયા પર તમે કેટલા ફેમસ છો તેના પર તમારી કરિયરનો આધાર છે. સંધ્યા જેવી જાણીતી અને પ્રતિભાશાળી કલાકારે આ રીતે કામ માગવું પડે ત્યારે સમજી શકાય કે ટેલેન્ટ સિવાય પણ આગળ વધવા કેટલું કરવું પડતું હોય છે. આશા રાખીએ નીના ગુપ્તાની જેમ સંધ્યાને પણ કામ મળતું રહે.
આપણ વાંચો: અમિતાભ બચ્ચનનું આ સુપરહિટ ગીત જોઈને અધવચ્ચેથી જ જતાં રહ્યા જયા બચ્ચન, અને પછી…



