ન માત્ર ‘ફક્ત પુરુષો માટે’ પરંતુ એક વાર બધાએ માણવા જેવી સુંદર સંદેશો આપતી ફિલ્મ
એક સુંદર મેસેજ સાથે ઓડિયન્સને જલસો કરાવવા “ફક્ત મહિલાઓ માટે”ના મેકર્સ આ જન્માષ્ટમીમાં ફરી વાર યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર સાથે ફરી એક રોલર કોસ્ટર રાઈડ “ફક્ત પુરુષો માટે” લઈને આવ્યા છે. આજે રીલીઝ થનારી આ ફિલ્મનુ ગ્રાન્ડ પ્રીમીયર અમદાવાદના એક મલ્ટિપ્લેક્સમાં યોજાયું હતું. દર્શકો ફિલ્મને માણીને ફિલ્મના વખાણ કરતાં થાકતા ન હતા….
જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત, આ કોમેડી ઓફ એરર્સ આનંદ પંડિત અને વૈશાલ શાહનું ત્રીજુ ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે. તેમની અગાઉની ફિલ્મ ‘ત્રણ એક્કા’ (2023) પણ ધમાકેદાર હિટ રહી હતી.
જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું હતું. ફિલ્મની વાર્તા પર આછો પ્રકાશ પાથરીએ તો પોતાના પૌત્ર બૃજેશના (યશ સોની) લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ (દર્શન જરીવાલા) વિશેની અસામાન્ય વાર્તા છે. સાથે સાથે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના કેમિયોને પણ દર્શકોએ ખૂબ વધાવ્યો. ફિલ્મની વાર્તા રસપ્રદ છે પરંતુ ધીમે ધીમે આગળ વધતી હોવાથી ઘણા દર્શકોને કેન્ટીનમાં ધક્કો ખવડાવી શકે છે. જ્યારે દર્શન જરીવાલાનો હજુ પણ વધારે સારી રીતે ઉપયોગ કરી શકાયો હોત.
પરફોમન્સની વાત કરીએ તો ફિલ્મમાંના દરેક કલાકારે ખૂબ મહેનત કરી છે. યશ અને એશાની કેમેસ્ટ્રીને ઓડિયન્સે ખૂબ પસંદ આવશે જ્યારે દર્શન જરીવાલાના “આત્મા”ના પાત્રએ બધીજ લાઈમ લાઇટ લઈ લીધી છે. જ્યારે મિત્ર ગઢવીના સપોર્ટિંગ રોલે દર્શકોને ખૂબ ગલગલિયા કરાવશે.
પરિવાર અને મિત્રો સાથે આ તહેવારમાં એક વાર અચૂક જોવા જેવી ફિલ્મ જેમાં તમને કોમેડી, ઇમોશન, રોમાન્સ જેવા બધા જ ફેક્ટર એક સાથે જલસો કરવી શકશે. ફિલ્મની વાર્તા, ડાયલોગ્સ, સંગીત કલાકારોના પરફોમન્સ જેવા તમામ ફેક્ટર દર્શકોને છેક સુધી બાંધી રાખશે.
મુંબઈ સમાચાર: રેટિંગ્સ: 3.5*