SaifAliKhan Attack: ‘મુંબઈ’ સલામત નહીં હોવાના નિવેદન મુદ્દે ફડણવીસે આપ્યું મોટું નિવેદન

મુંબઈ: બોલીવુડના જાણીતા કલાકાર સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યા પછી કલાકારોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા છે. મુંબઈમાં સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈ મુંબઈ સુરક્ષિત નહીં હોવાનો સવાલ કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વિરોધીઓને જવાબ આપ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું કે એક્ટર સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં ઘૂસી કરવામાં આવેલો હુમલો ગંભીર ઘટના છે, પરંતુ આ ઘટનાને કારણે મુંબઈ સલામત નથી એમ કહેવું ઉચિત નથી.
પોલીસ કાર્યવાહી કરી રહી છે અને સરકાર મુંબઈને વધુ સલામત બનાવવા પગલાં લેશે એમ ગૃહ ખાતાની જવાબદારી સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું.
સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે દેશના મહાનગરોમાં મુંબઈ સૌથી સલામત છે. અમુક અનિચ્છનીય ઘટનાઓ ક્યારેક બને છે એ ખરું અને તેને ગંભીરતાથી લેવી જ જોઈએ. પરંતુ આવી ઘટનાઓને કારણે મુંબઈ અસુરક્ષિત છે એમ કહેવું બરાબર નથી. મુંબઈની છબિ ખરડાય છે (આવી ટિપ્પણીને કારણે). અલબત્ત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે સરકાર ચોક્કસપણે પ્રયત્નો કરશે.’
આ પણ વાંચો…Bollywood: આવતીકાલે બે બિગ બેનર ફિલ્મ થિયેટરોમાં, રામચરણ અને સોનુ સુદે નિરાશ કર્યા…
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે સહિતના વિપક્ષી નેતાઓએ સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈને ફડણવીસ પર નિશાન સાધ્યું છે અને ગૃહ પ્રધાન પદેથી તેમના રાજીનામાની માંગ કરી છે. (પીટીઆઈ)