નવી દિલ્હીઃ નોઈડામાં વિદેશી યુવતીઓ અને ઝેરી સાપને સંડોવતા રેવ પાર્ટી કેસમાં ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. તેના માથે ધરપકડનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. એવા સમયે તેણે સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. X પર વીડિયો શેર કરીને તેણે જણાવ્યું હતું કે, ‘ હું અલ્વિશ યાદવ છું. આજે સવારે હું ઉઠ્યો અને મને ખબર પડી કે મારી સામે કેવા કેવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.
એલ્વિશ યાદવ ડ્રગ્સ સાથે પકડાયો છે, એલ્વિશ યાદવ સાપનું ઝેર વેચે છે. એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. મારી વિરુદ્ધ આવી ખોટી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. મારા પર તમામ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ બધું ખોટા અને પાયાવિહોણા આક્ષેપો છે.’
એલ્વિશ યાદવે વધુમાં જણાવ્યું હતું કે, હું સમગ્ર પ્રશાસન, યુપી પોલીસ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથજીને વિનંતી કરીશ કે જો આ કેસમાં મારી એક ટકો પણ સંડોવણી જોવા મળે તો હું જવાબદારી સ્વીકારવા તૈયાર છું, પણ મારી સામે એકદમ ખોટા આક્ષેપ થઇ રહ્યા છે. મને આ બધા સાથે કંઇ લેવાદેવા નથી.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશની નોઈડા પોલીસે અલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધી હતી. આ પછી નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડા પાડ્યા હતા અને 5 લોકોની ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસે 9 કોબ્રા અને સાપનું ઝેર જપ્ત કર્યું હતું. ધરપકડ કરાયેલા લોકોએ પૂછપરછ દરમિયાન એલ્વિશ યાદવનું નામ લીધું હતું. એલ્વિશ પર દાણચોરી ઉપરાંત ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે.
આ મામલામાં, નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી દ્વારા ફરિયાદના આધારે, પોલીસ સ્ટેશન સેક્ટર-49એ નોઈડા સેક્ટરના બાયક્વન્ટ હોલમાં પાર્ટી કરવા અને સાપનું ઝેર આપવાના સંબંધમાં અલ્વિશ યાદવ સહિત 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે