મનોરંજન

‘ધ વેક્સિન વોરને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે’: વિવેક અગ્નિહોત્રી

બોલીવુડના જાણીતા દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો દાવો કર્યો છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ‘ધ વેક્સીન વોર’ પર પ્રતિબંધ મુક્યો છે. કેટલાક લોકોના ષડયંત્રને કારણે મારી ફિલ્મ વિશે વધુ ચર્ચા નથી થઇ રહી તેવો વિવેક અગ્નિહોત્રીએ આક્ષેપ કર્યો છે.

વિવેકે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે ‘બુદ્ધા ઈન એ ટ્રાફિક જામ’ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે લગભગ 100 લોકોએ યુટ્યુબ પર તેની સમીક્ષા કરી હતી. પરંતુ જો તમે ફક્ત ફિલ્મ ‘જવાન’ ટાઇપ કરશો, તો તમને ઓછામાં ઓછા 10,000 લોકોના રિવ્યુ મળશે. બીજી તરફ, જ્યારે ‘ધ વેક્સીન વોર’ જેવી મહત્ત્વની ફિલ્મ આવી રહી છે, ત્યારે તેના વિશે કોઈ બોલતું નથી. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે હંમેશા મારી ફિલ્મો રોકવાના પ્રયાસો થાય છે. જ્યારે અમારી ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ રિલીઝ થઇ ત્યારે અમને માંડ 175 થિયેટર મળી શક્યા. હાલમાં જ મેં ‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મ આપી છે જેણે 350 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમ છતાં, મારી આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’ને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’ 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઇ રહી છે. કોરોના મહામારી સામે લડવા માટે સ્વદેશી વેક્સિન આપણા દેશમાં કઇ રીતે તૈયાર થઇ એના પર આ ફિલ્મ આધારિત છે. ફિલ્મમાં નાના પાટેકર, પલ્લવી જોશી, અનુપમ ખેર, રાયમા સેન જેવા કલાકારોએ કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button