મનોરંજન

આ ઓટીટી સિરિઝની પણ આવશે સિક્વલઃ મેકર્સે ક્રિએટીવિટી સાથે પોસ્ટ કરી ફેન્સને આપી ખુશખબર…

ઘણીવાર કોઈ બહુ મોટી ઘટના કે વ્યક્તિના જીવન પરથી બનેલી વાર્તા દર્શકોને સ્પર્શી શકતી નથી અને ક્યારેક સાવ નાનકડી એવી વાત હૃદયમાં વસી જાય છે. લગભગ બે વિક પહેલા ઓટીટી પર રિલિઝ થયેલી વેબ સિરિઝ દુપહિયા સાથે પણ આવું જ થયું છે. ખાસ કોઈ જાહેરાત કે માર્કેટિંગ વિના પ્રાઈમ વીડિયો પર આવેલી આ સિરિઝના કલાકારો પણ સુપરસ્ટાર નથી કે સિરિઝમાં કોઈ લાર્જર ધેન લાઈફ વાત કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મની રમૂજી વાર્તા અને પાત્રોનો અભિનય લોકોને એટલો ગમ્યો કે સિરિઝ રિલિઝ થયાના પંદર દિવસમાં જ મેકર્સે સિક્વલની જાહેરાત કરી દીધી.

સિક્વલની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર ક્રિયેટીવિટી સાથે કરવામાં આવી છે. સિરિઝમાં બિહારના કાલ્પનિક ગામ એવા ધડકપુરની વાત છે, જે 24 વર્ષથી ક્રાઈમફ્રી છે, પરંતુ સિલ્વર જ્યુબિલી યરમાં જ અહીંના એક પરિવારની દુપહિયા એટલે કે મોટરબાઈક ચોરી થઈ જાય છે. આ પરિવારે જીવનમૂડી લગાવી દીકરીના લગ્નના દહેજ તરીકે બાઈક ખરીદી હોય છે અને તે ચોરી થઈ જતા પરિવાર સાથે આખું ગામ તેને શોધવામાં લાગે છે અને તેમાં કેટલાય તાણાવાણા જોડાયેલા છે.

ગજરાજ રાવ, સ્પર્શી શ્રીવાસ્તવ, ભુવન અરોડા, રેણુકા શહાણે, શિવાજી રઘુવંશી સહિતના તમામ નાના મોટા કલાકારોએ ખૂબ જ સુંદર અભિનય કર્યો છે અને ફિલ્મમાં જે સામાજિક સંદેશા આપવામાં આવ્યા છે, તે પણ મનોરંજક રીતે આપવામાં આવ્યા છે. મારધાડ અને સેકસ્યુઅલ કન્ટેન્ટથી ધરાઈ ચૂકેલા દર્શકોએ પંચાયત અને ગુલ્લકની જેમ આ હલકીફૂલકી વેબસિરિઝને પણ હીટ બનાવી દીધી છે.

આ પણ વાંચો : દહેજ સહિત સમાજિક મુદ્દાઓ પર વાત કરતી દુપહિયા સિરિઝ ઓટીટી પર છવાઈ ગઈ

સલોના બેન્સ જોશી અને શુભ શિવદાસાના ક્રિએશનમાં બનનારી, અવિનાશ દ્વિવેદી અને ચિરાગ ગર્ગ દ્વારા લખાયેલી સિરિઝનું ડિરેક્શન સોનમ નાયરે કર્યું છે. જોકે ઘણીવાર પહેલી સિરિઝ જેટલી મજા સિક્વલમાં આવતી નથી ત્યારે હવે દુપહિયા તેની સિક્વલમાં કેટલી ભાગે છે કે પછી બ્રેક લાગે છે તે જોવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button