“નિકલે થે કભી હમ ઘર સે, ઘર દિલ સે મગર નહિ નિકલા..” આવી ગયું છે ‘ડંકી’નું ટીઝર

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો આજે હેપી બર્થડે છે અને ચાહકોને ખાસ સરપ્રાઇઝ આપવા બાદશાહ ખાનની આગામી ફિલ્મ ‘ડંકી’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ડંકી ફિલ્મ રાજકુમાર હિરાનીએ બનાવી છે, જેમની ફિલ્મોમાં કોમેડી, ઇમોશન્સ, ડ્રામાનું મિશ્રણ હોય છે, હસતા હસાવતા રડાવી જાય એવી ફિલ્મો કે જે આપણે મુન્નાભાઇ, ઝીરો, થ્રી ઇડિયટ્સ સહિતની તેમની ફિલ્મોમાં જોયું છે.
‘ડંકી’ પણ બિલકુલ એવી જ ફિલ્મ સાબિત થવાની છે. ટીઝરનો પહેલા દ્રશ્યમાં શાહરૂખ અને તેમની સાથે કેટલાક લોકો રણપ્રદેશમાં ભટકતા જોવા મળે છે. એ પછી કેમેરાનું ફોકસ જાય છે એક હાડપિંજર પર..કોઇ વ્યક્તિ છે જે શાહરૂખ તથા તેની પલટન પર બંદૂક તાકીને ઉભો છે અને તેમને શૂટ કરી જ દેશે તેવી આશંકા વચ્ચે સીન બદલાઇ જાય છે. જો અનુમાન સાચું પડે તો ફિલ્મની કથા જે લોકો ગેરકાયદે પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરતા હોય તેમના સંઘર્ષો પર છે.
ગેરકાયદે ઘુસવાના આ કોન્સેપ્ટને કહેવાય છે “ડંકી ફ્લાઇટ.” જો કે અમુક દ્રશ્યો ભલે કરૂણ હોય પરંતુ કોમેડી અને રોમાન્સનું મિશ્રણ દર્શકોને મોજ કરાવશે.
ફિલ્મમાં ધુરંધર ત્રિપુટી છે શાહરૂખ ખાન, તાપસી અને વિક્કી કૌશલની. આજે રજૂ થયેલા ટીઝરની હાઇલાઇટ તો શાહરૂખના નામે છે પરંતુ જેમ જેમ આગળ ટ્રેલર આવશે તેમ તેમ તાપસી, વિક્કી, બોમન ઇરાની સહિત તમામ અન્ય કલાકારોની ભૂમિકા અને સંવાદો જોવા મળશે. હિરાનીની ફિલ્મોની ખાસિયત એ છે કે કોઇએક હીરો પર તે કેન્દ્રિત નથી હોતી, તેમાં અન્ય કલાકારોની અદાકારીથી પણ ભરપૂર મનોરંજન મળે છે. ઓવરઓલ, ટીઝરને જોતા વાર્તામાં દમ હોવાની ખાતરી થાય છે. જે લોકો શાહરૂખના અને બોલીવુડના ચાહક નહિ હોય, તેમને પણ આ ફિલ્મ ગમશે તેવું ટીઝર પરથી લાગી રહ્યું છે.