શ્વાન બાદ હવે બિગ બોસમાં થઇ ગધેડાની એન્ટ્રી…
બિગ બોસ 18ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સલમાન ખાનનો શો આજ રાતથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શોની શરૂઆત પહેલા મેકર્સે ગધેડાનો પ્રોમો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. બિગ બોસ 18ના સ્ટેજ પર ગધેડાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ હવે ખબર પડી છે કે આ ગધેડો શોના અન્ય સ્પર્ધકો સાથે ઘરમાં રહેવાનો છે. આ ગધેડાનું નામ મેક્સ છે. આ ગધેડો સ્પર્ધક એડવોકેટ ગુણરત્ન સદાવર્તેનો પાલતુ ગધેડો છે.
એસટી કર્મચારીઓના વિરોધને કારણે ચર્ચામાં આવેલા એડવોકેટ ગુણરત્ન સદાવર્તે હવે ‘બિગ બોસ’ના ઘરમાં જોવા મળવાના છે. જેમ પશુ પ્રેમીઓ બિલાડી, કૂતરા, પોપટ અથવા તો નાના પ્રાણીઓને ઘરમાં રાખતા જોવા મળે છે તેમ ગુણરત્ન સદાવર્તેએ ઘરે ગધેડો પાળ્યો છે. સદાવર્તેની પુત્રી ઝેન પ્રાણીઓની શોખીન છે. તેણે આ ગધેડો પાળ્યો છે.
આ પણ વાંચો : ભારતીય ફિલ્મોમાં પ્રથમ વાર બિકીની પહેરનારની પૌત્રીએ કરી બિગ બોસ-18માં એન્ટ્રી
એક ઇન્ટરવ્યુમાં સદાવર્તેએ જણાવ્યું હતું કે તેમણે ઘરમાં ગધેડો પાળ્યો છે. ગધેડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગધેડીના દૂધથી પેટના રોગો દૂર થાય છે. એમના બાળકો બીમાર પડે ત્યારે ગધેડીનું દૂધ ગોતવા ક્યાં જવું? એટલા માટે તેમણે ઘરે ગધેડો પાળ્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે બિગ બોસના ઘરમાં કોઈ પ્રાણીને એન્ટ્રી આપવામાં આવી હોય. અગાઉ ઘરમાં એક પાલતુ કૂતરો રાખવામાં આવતો હતો, જેનું નામ માહિમ હતું. ‘બિગ બોસ 18’માં ગધેડાને જોયા બાદ ફેન્સ વધુ ઉત્સાહિત થઈ ગયા છે.