Film review: રાજકુમાર રાવની ભૂલ તમે ભૂલથી પણ થિયેટરમાં જોવા ન જાઓ તો સારું

ન્યૂટન અને બરેલી કી બરફી જેવી ઘણી સારી ફિલ્મો આપનારા રાજકુમાર રાવ છેલ્લા ઘણા સમયથી હટકે આપવાના ચક્કરમાં મગજ હટી જાય તેવી ફિલ્મો કરી રહ્યો છે. વિકી ઔર વિદ્યા કા વો વાયરલ વીડિયો, હમ દો હમારે દો જેવી ફિલ્મો કરીને પાઠ ન ભણેલા રાજકુમારે ફરી બ્લન્ડર ફિલ્મ આપીને ફેન્સને નારાજ કર્યા છે. ઑપરેશન સિંદૂરને લીધે પહેલા ઓટીટી રિલિઝ થશે તે જાહેર થઈ ગયું હતું, પણ તેમ ન થતાં 23મી મેના રોજ તેની ફિલ્મ ભૂલચૂક માફ રિલિઝ થઈ અને તે જોયા પછી આપણે કરેલી ભૂલ કોણ માફ કરશે તેવો સવાલ થયા વિના રહેતો નથી.
શું છે ફિલ્મની સ્ટોરી
ફિલ્મમાં બે બ્રાહ્મણ પરિવાર બતાવ્યા છે, જે બ્રાહ્મણ પણ નથી લાગતા અને પરિવાર પણ નથી લાગતી. બન્નેના સંતાનો રાજન(રાજકુમાર) અને તિતલી (વોમિકા ગબ્બી) એકબીજાના પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે, પણ વામિકાના પિતાની શરત છે કે રાજન પહેલા સરકારી નોકરી કરતો થાય. રાજન પાસે બે મહિનાનો સમય છે અને તે લાંચ આપી નોકરી તો મેળવી લે છે, પણ લગ્નના અગાઉના દિવસે રાજકુમાર ટાઈમલૂપમાં જતો રહે છે અને ફિલ્મ આગળ વધે છે, પણ ખરેખર ફિલ્મ તો ક્યાંથી શરૂ થઈ, કઈ રીતે ક્યાં પહોંચી કંઈ ખબર પડતી નથી. નથી હીરો હીરોઈનની કેમેસ્ટ્રી જામતી કે નથી પરિવારની. ટાઈમ લૂપ બતાવવાનો કોઈ હેતુ દેખાતો નથી. ખેર છતાં સ્ટોરી કઈ રીતે આગળ વધી તે જોવા તો તમારે થિયેટરમાં જ જવું પડશે.
આપણ વાંચો: પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા અક્ષય કુમારને દુઃખ થયું; પ્રિયદર્શને કર્યા ખુલાસા
કેવું છે પર્ફોમન્સ અને ડિરેક્શન
વાર્તા અને પાત્રાલેખન બરાબર ન હોય તો ગમે તેવા કલાકારોની કલા ઝાંખી પડી જાય છે. ભૂલ ચૂક માફ જોઈને આ વાત સમજી શકાય. રાજકુમાર રાવે તેનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે, પણ તેનું કેરેક્ટર એટલું ગૂંચવાયેલું છે કે તમને રાજનના કિરદારમાં રાજકુમારને જોઈને ખાસ કઈ મજા નહી આવે. તો હીરોઈન તરીકે વામિકાએ તો એક્ટિંગની એબીસીડી શિખવાની જરૂર છે. ભાષા, ડાયલૉગ ડિલિવરી બધામાં જ વામિકા તમને નબળી અને બોરિંગ લાગશે. જોકે સંજય મિશ્રા કે સીમા પાહવા જેવા કેરેક્ટર પણ કંઈ ઉકાળી શક્યા નથી કારણ કે તેમના ભાગે કંઈ એવું કરવાનું આવ્યું જ નથી. લેખક અને નિર્દેશક કરણ શર્મા પોતે જ ફેંકેલી જાળમાં એવા ફસાયા કે છેલ્લે સુધી એ બહાર નીકળી શક્યા નહીં અને દર્શકો એમ થયું કે હવે અમે બહાર નીકળી જઈએ. ફિલ્મનું સંગીત તનિષ્ક બાગચીનું છે અને તે પણ સાધારણ જ છે. સરવાળે ફિલ્મ ઓટીટીમાં રિલિઝ થાય કે થિયેટરમાં, વાર્તા નામનો હીરો જો તેમાં ન હોય તો તે નિરસ જ બનવાની. ટાઈમ લૂપ બતાવવા માટે ખાસ વિઝન સાથે કામ કરવું પડે અને નિર્માતા દિનેશ વિજન આ વિઝન બતાવી શક્યા નથી.
આ ફિલ્મને રેટિંગ આપવા પણ અઘરા છે, છતાં ફિલ્મ બનાવી અને થિયેટર સુધી લાગ્યા તે માટે સ્ટાર આપીએ છીએ.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 1