મનોરંજન

થિયેટર ફિલ્મ ધૂરંધર જોઈને ખુશ થયેલાં દર્શકો ઓટીટી વર્ઝનથી કેમ થયા નાખુશ? સોશિયલ મીડિયા પર છેડાયું યુદ્ધ….

થિયેટર્સમાં રીલિઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી અને દર્શકોનો પ્રેમ જીત્યા બાદ આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ આજે એટલે કે 30મી જાન્યુઆરીના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે.

નેટફ્લિક્સ પર અડધી રાત્રે આ ફિલ્મને સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેના પછી ચાહકોએ તેને જોવા માટે પડાપડી કરી હતી. જોકે, ઓટીટી રિલીઝ સાથે જ એક મોટો વિવાદ પણ ઉભો થયો છે. ચાલો સોશિયલ મીડિયા પર ફેન્સ શું કહી રહ્યા છે…

ફિલ્મ ધૂરંધર આજે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે અને ફિલ્મના ‘સેન્સરશિપ’ અને ‘કટ્સ’ ને લઈને ચાહકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ એના આઠ અઠવાડિયા બાદ આ ફિલ્મે ડિજિટલ ડેબ્યૂ કર્યું છે.

હિન્દી ઉપરાંત આ ફિલ્મને તમિલ અને તેલુગુમાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવી છે, પરંતુ તેના એડિટિંગને લઈને અત્યારે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાઈ ચૂક્યું છે.

આપણ વાચો: ફિલ્મ ‘ધુરંધર’ માં જોવા મળ્યો ‘તારક મહેતા…’ નો આ કલાકાર, રણવીર સિંહ સાથેના સીન જોઈને ઓળખી પણ નહીં શકો!

દર્શકો એવો દાવો કરી રહ્યા છે કે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મમાં લગભગ ૧૦ મિનિટના મહત્વના સીન કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાળાગાળી અને વાંધાજનક ભાષાને મ્યૂટ કરી દેવામાં આવી છે. અનેક ડાયલોગ્સ પર સેન્સર ચલાવવામાં આવ્યું છે. ‘એ’ રેટિંગ હોવા છતાં સેન્સરશિપ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આપણ વાચો: ફિલ્મ ધુરંધરના સંવાદ વિરુદ્ધની અરજી હાઈકોર્ટે ફગાવી

આદિત્ય ધરની આ ફિલ્મના ફેન્સે એક્સ (ટ્વિટર) પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જ્યારે ફિલ્મ ‘A’ સર્ટિફિકેટ ધરાવે છે અને આ પ્લેટફોર્મ પર બધા 18 વર્ષથી ઉપરના જ છે, તો પછી ડાયલોગ્સ મ્યૂટ કરવાનો શો તર્ક છે? તમે ફિલ્મના નેચરલ વાઈબને ખતમ કરી દીધો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે અમે ઓટીટી પર અનકટ વર્ઝનની આશા રાખી રહ્યા હતા, પરંતુ અહીં તો થિયેટર કરતા પણ વધુ કટ્સ છે.

એક તરફ જ્યાં પ્રથમ ભાગના એડિટિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં મેકર્સ આ ફિલ્મના બીજા ભાગની તૈયારીમાં એકદમ વ્યસ્ત છે. તમારી જાણકારી માટે ફિલ્મ ધુરંધર ટુ 19મી માર્ચના થિયેટર્સમાં રીલિઝ તથવા જઈ રહી છે. ચાહકો હવે એવી આશા સેવી રહ્યા છે કે બીજા ભાગમાં આવી સેન્સરશિપ જોવા ન મળે.

પાંચમી ડિસેમ્બરના થિયેટર્સમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’એ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. જે લોકો થિયેટરમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા હતા, તેઓ લાંબા સમયથી નેટફ્લિક્સ પર તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કટ્સને કારણે હવે આ દર્શકોનો ઉત્સાહ પણ ઓસરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button