ધર્મેન્દ્ર ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી રહ્યા છે: સની દેઓલની ટીમે આપી લેટેસ્ટ હેલ્થ અપડેટ, અફવાઓ પર પૂર્ણવિરામ…

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફેન્સ અને ફેમિલી તેમની રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ બધા વચ્ચે સની દેઓલની ટીમ દ્વારા એક્ટરની હેલ્થને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ધર્મેન્દ્ર ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી રહ્યા છે અને તેમના પર તેની અસર પણ થઈ રહી છે. આવો જોઈએ આ હેલ્થ અપડેટમાં આગળ શું જણાવ્યું છે…
બોલીવૂડ એક્ટર સની દેઓલની ટીમ દ્વારા મંગળવારે બપોરે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની હેલ્થને લઈને અપડેટ આપતાં જણાવ્યું હતું કે સર ઠીક થઈ રહ્યા છે. તેમના પર ટ્રીટમેન્ટની અસર થઈ રહી છે. આપણે બધા જ એમની લાંબી ઉંમર અને સ્પીડી રિકવરી માટે પ્રાર્થના કરીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટરની ટીમ દ્વારા ઈશા દેઓલ અને હેમા માલિનીએ એક્ટરના નિધનની અફવાની નિંદા કર્યા બાદ અપડેટ આપવામાં આવ્યું છે. ઈશા દેઓલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું પિતાજીની હાલત સ્થિર છે અને તેઓ સાજા થઈ રહ્યા છે. જ્યારે હેમા માલિનીએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને આપવામાં આવેલા અષ્ટમ પષ્ટમ સમાચારોને રદીયો આપ્યો હતો.
સોમવારે એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે 89 વર્ષીય અભિનેતાને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. જોકે, બાદમાં સની દેઓલની ટીમે આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે મિસ્ટર ધર્મેન્દ્રની તબિયત સ્થિર છે અને તેઓ ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમના હેલ્થને લઈને કોઈ પણ ખોટી અફવાઓ ના ફેલાવો.
હાલમાં ધર્મેન્દ્રના બંને દીકરા સની દેઓલ અને બોબી દેઓલ તેમ જ હેમા માલિની અને ઈશા દેઓલ હોસ્પિટલમાં હાજર છે. જ્યારે સોમવારે બોલીવૂડ એક્ટર સલમાન ખાન, શાહરુખ ખાન અને ગોવિંદા સહિત અનેક હસ્તીઓ ધર્મેન્દ્રને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
આપણ વાંચો: ધર્મેન્દ્રના મોતની ચાલી અફવા, જાણો ઈશા દેઓલ અને હેમા માલિનીએ શું કહ્યું?



