Dhadak 2 review: ઈન્ટરકાસ્ટ લવસ્ટોરીમાં નબળી સ્ક્રિપ્ટ અને ટ્રિટમેન્ટ વિલન

અમારી દીકરી માટે સારો છોકરો કોઈ હોય તો કહેજોને. અમે ખાસ કંઈ જ્ઞાતિમાંને માનતા નથી, પણ ઊંચી કાસ્ટનો હોય તેવો બતાવજો. આ ખૂબ જ કોમન વાક્ય બધાએ સાંભળ્યું હશે. બસ દીકરી કે દીકરો પ્રેમમાં પડે તે વાંધો નહીં, પણ પ્રેમ પણ જાતિ જોઈને કરે તે માનસિકતા વર્ષો પહેલા હતી અને આજે પણ લગભગ એટલી જ છે. આ ઊંચ-નીચ, ગરીબ-અમીરના છોકરા-છોકરીઓને લવસ્ટોરીવાળી ફિલ્મો ઘણી બની છે, પણ થોડા વર્ષોમાં આવેલી બે પ્રાદેશિક ભાષાની ફિલ્મોએ દર્શકો પર અસર છોડી છે. તેમાંની એક છે મરાઠી ફિલ્મ સૈરાટ અને બીજી તમિલ ફિલ્મ પરિયેરૂમ પેરુમલ. સૈરાટ પરથી કરણ જોહરે એક ફિલ્મ બનાવી હતી ધડક અને હવે પરિયેરૂમ પેરુમલ પરથી બનેલી ફિલ્મ ધડક-2 આજે રિલિઝ થઈ છે. ધડક-2 ધડકની સિક્વલ નથી, પરંતુ સ્પિરિચ્યુઅલ રિમેક છે. તો આવો જાણીએ ફિલ્મ કેવી છે
શું છે ફિલ્મની વાર્તા
અગાઉ કહ્યું તેમ સમાજમાં કહેવાતી ઊંચી જાતિની છોકરી અને નીચી જાતિના છોકરાની લવસ્ટોરી. નીલેશ (સિદ્ધાંત ચતુર્વેદી) નામના દલિત છોકરાને વિધિ (તૃપ્તી ડિમરી) નામની ઊંચી જાતિની છોકરી સાથે પ્રેમ થાય છે અને બન્ને નાતજાતની સીમા ઓળંગી એકબીજાના થવા માગે છે, પણ પરિવાર અને સમાજ બને છે વિલન. આનાથી વધારે ફિલ્મની વાર્તા વિશે તો અમે નહીં કહીએ, પણ ફિલ્મનો વિષય ઘણો જરૂરી અને અટેન્શન માગી લે તેવો છે જ. કૉલેજ પોલિટિક્સથી માંડી દરેક જગ્યાએ આજે પણ દલિત કે વંચિત સમાજે જે નકાર સહન કરવો પડે છે તેની વાત છે.

જે આ ભેદભાવમાં નથી માનતા તેમને પણ આ ભૂલભરેલી સમાજવ્યવસ્થાનો ભાગ બનવા મજૂર થવું પડે તેવી સારી વાત લઈને લેખિકા શાઝિયા ઈકબાલ લેખક રાહુલ સાથે આવ્યા છે. વિષય તો સારો પકડ્યો છે, પણ જ્યારે આવા વિષયો પર ફિલ્મો બને ત્યારે તે દર્શકોના મન પર હથોડાની જેમ વાર કરવી જોઈએ, પરંતુ હથોડાની બદલે માત્ર ટપલી મારી હોય તેમ લાગે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફમાં માહોલ જમાવવામાં નીકળી જાય છે, થોડો ઈન્ટરેસ્ટિંગ બને છે, પરંતુ સેકન્ડ હાફમાં વાર્તા લથડવા માંડે છે. શિક્ષિત દલિત પરિવારની વ્યથા, મુખ્ય પ્રવાહમાં જોડાવા માટેનો સંઘર્ષ વગેરે જે ચોટદાર રીતે બતાવવું જોઈએ તે બતાવાયું નથી. તમે સૈરાટ જૂઓ અને તમને જે ભેદભાવની પહોળી ખાઈ દેખાઈ, અનુભવાઈ તે આ ફિલ્મમાં અનુભવાતી નથી.
કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેક્શન
વાત કરીએ એક્ટિંગની તો સિદ્ધાંત ચતુર્વેદી ગલીબૉયથી સારા અભિનેતાની છાપ પાડી શક્યો છે. આ ફિલ્મમાં પણ તેણે ઘણું જ સારું કામ કર્યું છે. ફિલ્મની વાર્તા નબળી છે, છતાં એક દલિત છોકરાના આક્રંદ સાથે તમે કનેક્ટ થાવ છો. તૃપ્તિ ડિમરીએ સેક્સબોમ્બની છાપમાંથી બહાર નીકળવાનો સારો પ્રયાસ કર્યો છે. ફિલ્મના કાસ્ટિંગ સમયે તેનાં કાસ્ટિંગ સામે સવાલો હતા, પરંતુ તૃપ્તિ સરેરાશ સારું કામ કરી શકી છે. ફિલ્મમાં સૌરભ સચદેવા કમાલ કરી ગયો છે. ઝાકિર હુસૈન સહિતના કલાકારોએ પણ સારી કામગીરી કરી છે.
ડેબ્યુ ડિરેક્ટર શાઝિયા ઈકબાલને પહેલી ફિલ્મ માટે આ વિષય પસંદ કરવા અભિનંદન આપવા પડશે. અમુક સિન્સમાં તેણે કમાલ પણ કરી છે, પરંતુ સ્ટોરી ટેલિંગ જે રીતે ડેવલપ થવું જોઈએ તે થયું નથી. ફિલ્મમાં ઈમોશન્સ, સોશિયલ મેસેજ, એક્શન, રોમાન્સ બધું જ છે, પણ ફિલ્મ એક સરસ મજાની થાળી તરીકે પિરસાઈ નથી.
તેમ છતાં ફિલ્મ એકવાર જોવા જેવી ચોક્કસ બની છે. જો તમને સમાજિક મુદ્દાઓ પર બનતી ફિલ્મ જોવી ગમતી હોય તો થિયેટરમાં જજો.
આપણ વાંચો: Happy Birthday: આ બે બોલીવૂડ અભિનેત્રીએ શૉ પિસ ન બનતા ભજવ્યા છે દમદાર પાત્રો…