દિલ્હીની યુવતીએ રૂ.2000માં રિક્રિએટ કર્યો રાધિકા મરચન્ટનો લુક, લોકો પણ હેરાન, જુઓ વીડિયો
ભારતના લોકોમાં ભરી ભરીને ટેલેન્ટ પડેલી છે. તેમને ખાલી યોગ્ય માર્ગદર્શન અને આઇડિયા મળવો જોઇએ. હાલમાં જ દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મરચન્ટ સાથે લગ્ન થઇ ગયા. લગ્નના તમામ ફંક્શનોમાં બ્રાઇડ રાધિકા મરચન્ટે તેના અલગ અલગ ભારતીય પરિધાનોથી એક ટ્રેન્ડ સેટ કરી દીધો છે. તેણનો હલ્દી પ્રસંગનો દેખાવ કંઈક એવો હતો જેણે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેની ફ્લોરલ જ્વેલરીથી લઇને તેના ફ્લોરલ દુપટ્ટા સુધી બધું જ ઉત્કૃષ્ટ અને સુંદર હતું અને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. હવે એ તો જાહેર વાત છે કે અંબાણીની પુત્રવધુ રાધિકાએ તેના આ લુક માટે સારી એવી રકમ ખર્ચી જ હશે.
હવે રાધિકા જેવો જ લુક દિલ્હી સ્થિત કન્ટેન્ટ સર્જકે રિક્રિએટ કર્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ખાસ વાત તો એ છે કે તેણેઘણા જ ઓછા બજેટમાં આ લુક રિક્રિએટ કર્યો છે. મીડિયા ઇન્ફ્લુએન્સર આરુષિ પાહવાએ તેના ઇન્સ્ટા હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો જેમાં તેણે રાધિકાનો ફ્લોરલ દુપટ્ટો બનાવ્યો, જે અંબાણીની પુત્રવધુએ તેની હલ્દી સમારોહ દરમિયાન પહેર્યો હતો.
આરૂષીએ જણાવ્યું હતું કે તેણે ફ્લાવર માર્કેટમાં ઘણી દુકાનોની મુલાકાત લીધી હતી અને રાધિકા જેવો ફ્લોરલ દુપટ્ટો માગ્યો હતો, પણ તેની પાસે આવા દુપટ્ટા માટે 15,000 રૂપિયાની માગણી કરવામાં આવતા તેણે આવો દુપટ્ટો જાતે જ બનાવવાનું નક્કી કર્યું હતું. આરુષિએ અનેક ફૂલોની દોરી બનાવી અને તેને ઝિગ-ઝેગ પેટર્નમાં બાંધીને દુપટ્ટો બનાવ્યો.
આરુષિએ રાધિકાના દુપટ્ટાની જેમ બોર્ડર પર મેરીગોલ્ડના ફૂલો પણ લગાવ્યા છે. આરુષિએ સ્ટ્રેપી બોડિસ અને સિક્વિન્સ અને ફ્લોરલ જ્વેલરી સાથે હાઇલાઇટ કરેલા ટ્યૂલ લહેંગા સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેને આ દુપટ્ટો બનાવવામાં 10થી 12 કલાક લાગ્યા હતા. આમાં તેણે ટગરની કળીઓનો ઉપયોગ કર્યો છે. તેની કિંમત માત્ર 2,000 રૂપિયા છે. આરૂષીએ ગળામાં ફૂલોની માળા અને કાનમાં ફૂલોની બુટ્ટી પહેરી છે. આરૂષી પણ રાધિકા જેવી જ સુંદર દેખાઇ રહી છે.
તો તમે પણ આરૂષીની જેમ તમારી માટે આવો ફૂલોનો શણગાર રિક્રિએટ કરી શકો છે અને તે પણ ઘણા થોડા ખર્ચમાં.