મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ધર્મેન્દ્રને છેતરપિંડીના કેસમાં સમન્સ જાહેર (Delhi court summons actor Dharmendra) કર્યા છે, આ કેસ ‘ગરમ ધરમ ઢાબા’ (Garam Dharam Dhaba) ની ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલા છે. ધર્મેન્દ્ર ઉપરાંત અન્ય બે લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ ન્યાયિક મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) યશદીપ ચહલ દ્વારા આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના વેપારી સુશીલ કુમારે ફરિયાદમાં દાવો કર્યો હતો કે ‘ગરમ ધરમ ઢાબા’ ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો.
કોર્ટે શું કહ્યું?
5 ડિસેમ્બરે પસાર કરેલા સમન્સ ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે, “રેકોર્ડ પરના પુરાવા પ્રાથમિક દૃષ્ટિએ દર્શાવે છે કે આરોપી વ્યક્તિઓએ તેમના ઈરાદાઓ આગળ વધારવા માટે ફરિયાદીને પ્રેરિત કર્યા હતા અને છેતરપિંડી થઇ હોવાનું જણાય છે.”
કોર્ટે અવલોકન કર્યું હતું કે સમન્સના તબક્કે, માત્ર પ્રથમ દૃષ્ટિએ કેસ ધ્યાનમાં લેવાનો છે, અને હાલ કેસની યોગ્યતાની વિગતવાર તપાસ જરૂરી નથી.
કોર્ટે એ પણ અવલોકન કર્યું કે ગરમ ધરમ ઢાબાનો લોગો ધરાવતા ઇન્ટેન્ટ લેટર સહિતના દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વ્યવહારમાં રેસ્ટોરન્ટ સામેલ છે અને આરોપી ધરમ સિંહ દેઓલ અને અન્ય સહ-આરોપીઓ પણ સામેલ છે.
9 ઑક્ટોબર, 2020 ના રોજ, કોર્ટે એફઆઈઆરની રજીસ્ટર કરવા માટે નિર્દેશની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે ફરિયાદની નોંધ લીધી હતી અને ફરિયાદીને પુરાવા રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
શું છે ફરિયાદીનો દાવો?
ફરિયાદી સુશીલ કુમારનો દાવો વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં સહ-આરોપીઓએ ધર્મેન્દ્ર વતી તેમને ઉત્તર પ્રદેશના NH-24/NH-9 પર ગરમ ધરમ ઢાબાની ફ્રેન્ચાઈઝી ખોલવાની ઓફર સાથે સંપર્ક કર્યો હતો. દિલ્હીના કનોટ પ્લેસ અને હરિયાણાના મુરથલ ખાતે આવેલી રેસ્ટોરન્ટની બ્રાંચમાં અંદાજે ₹70 થી 80 લાખનું માસિક ટર્નઓવર જનરેટ કરતી હોવાના કહેવામાં આવ્યું, અને કથિત રીતે ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી.
Also read: ‘હીમેન’ ધર્મેન્દ્રની હેલ્થને લઈ જાણો આ સમાચાર…
ફરિયાદીને વચન આપવામાં આવ્યું હતું કે રોકાણ પર સાત ટકા નફો મળશે, સાથે ₹41 લાખની રકમનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું.
ફરિયાદીનો આરોપ છે કે ગરમ ધરમ ઢાબા ફ્રેન્ચાઇઝી અંગે સહ-આરોપીઓ સાથે બેઠકો અને ઇમેઇલ એક્સચેન્જ કર્યા પછી, તેને ₹63 લાખ ઉપરાંત ટેક્સનું રોકાણ કરવા અને જમીનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું.
22 સપ્ટેમ્બર, 2018 ના રોજ ચુકવણી અને વ્યવસાયની શરતો ધરવતા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતાં. ફરિયાદીએ ₹17.70 લાખ ચેક દ્વારા ચૂકવ્યા હતા. જમીન નવેમ્બર 2018 માં ખરીદવામાં આવી હતી, પરંતુ પ્રયત્નો કરવા છતાં, ક્યારેય જમીનની તપાસ કરવાના આવી અથવા ફરિયાદીને મળ્યા ન હતા. પરિણામે, ફરિયાદી દાવો કરે છે કે છેતરપિંડી થઈ છે અને તેને આર્થિક નુકસાન થયું છે.