મનોરંજન

HAPPY BIRTHDAY: પિતાનું સપનું દીકરીએ કર્યું સાકાર, માતાએ કર્યો હતો આ ત્યાગ

ટીવી પર મેદાનમાં રમતા ક્રિકેટર્સ અને તેમના ઠાઠમાઠ જોઈને ઘણા માતા-પિતાને થતું હોય છે કે તેમનું સતાન પણ સચીન કે વિરાટ બને, પરંતુ આ માટે માત્ર ખેલાડીએ નહીં માતા-પિતાએ પણ સંઘર્ષ કરવો પડે છે. સાથે મળી એક સપનું જોવું પડે છે અને તેને પૂરું કરવા લાગી જવું પડે છે. આવું જ સપનું પિતાએ પોતાના માટે જોયું હતું પણ પૂરું ન કરી શક્યા, પણ દીકરીએ કરી બતાવ્યું અને તે માટે માતા-પિતા બન્નેએ પણ ત્યાગ આપ્યો. વાત કરી રહ્યા છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટર મિતાલી રાજની. આજે તેનો 41મો જન્મદિવસ છે.

મિતાલીનો જન્મ 3જી ડિસેમ્બર 1982માં રાજસ્થાનના જોધપુર શહેરમાં થયો હતો. રાજની માતાનું નામ લીલા રાજ છે જેઓ એક અધિકારી હતા. તેમના પિતાનું નામ ધીરજ રાજ ડોરાઈ છે. ડોરાઈ રાજ બેંકમાં જોડાતા પહેલા એરફોર્સમાં સન્માનિત પોસ્ટ પર કામ કરતા હતા.


વાસ્તવમાં, દોરાઈને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો, પરંતુ તે ક્યારેય ભારતીય ટીમમાં જગ્યા ન બનાવી શક્યા. ક્રિકેટમાં આ નિષ્ફળતા પછી પણ તેણે ક્યારેય હાર ન માની અને તેની પુત્રીને ક્રિકેટ તરફ પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. આમાં તેને સફળતા પણ મળી હતી. સ્થિતિ એવી હતી કે તેણે મિતાલીના ક્રિકેટ કોચિંગ સહિતના ખર્ચાઓને પહોંચી વળવા પોતાના ખર્ચાઓમાં કાપ મૂકવાનું શરૂ કર્યું. પુત્રીની સોનેરી ક્ષણ માટે પિતાની સાથે તેની માતાએ પણ અનેક ત્યાગ કર્યા હતા.


એક સમય એવો આવ્યો જ્યારે રાજની માતાએ તેમના માટે ઓફિસર રેન્કની નોકરી છોડી દીધી. તેનું કારણ એ હતું કે જ્યારે મિતાલી પ્રેક્ટિસ કરીને થાકીને ઘરે આવે ત્યારે માતા તેની પૂરતી સંભાળ રાખી શકે. ભારતીય મહિલા ખેલાડીને સફળ ક્રિકેટર બનાવવામાં તેના માતા-પિતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મિતાલી પણ કહે છે કે માતા-પિતાના બલિદાનને કારણે જ તે આજે આ પદ સુધી પહોંચી શકી છે. જોકે મિતાલીએ માતા-પિતાના ત્યાગને એળ નથી જવા દીધો અને પોતાની કારકિર્દી નહીં પણ મહિલા ક્રિકેટને પણ નવી ઊંચાઈ આપી છે. તેનાં નામે નામે ક્રિકેટના ક્ષેત્રમાં ઘણા રેકોર્ડ છે. તેનાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન જેવા ઘણા મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે.


તેના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે દેશ માટે 12 ટેસ્ટ ક્રિકેટ મેચ રમીને 19 ઇનિંગ્સમાં 43.7ની એવરેજથી 699 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને ચાર અડધી સદી આવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 214 રન છે.


આ સિવાય તેણે ભારતીય મહિલા ટીમ માટે 220 ODI મેચ રમી છે અને 199 ઇનિંગ્સમાં 51.3ની એવરેજથી 7,391 રન બનાવ્યા છે. ODI ફોર્મેટમાં તેણે સાત સદી અને 59 અડધી સદી ફટકારી છે. ODI ફોર્મેટમાં તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન અણનમ 125 રન છે.


તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં 89 મેચ રમીને 37.5ની સરેરાશથી 84 ઇનિંગ્સમાં 2,364 રન બનાવ્યા છે. રાજના નામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 અડધી સદી છે. 6000 રન બનવાનારી તે વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર છે.


મિતાલી હજુ પણ સિંગલ છે અને સિંગલ રહેવા માગે છે. આના કારણ તરીકે તેણે કહ્યું હતું કે હું જ્યારે પરિણિત લોકોને જોઉ છું ત્યારે લાગે છે કે હું સિંગલ જ ખુશ છું. મિતાલીએ ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. જોકે તે સારી એવી સંપત્તિની માલિકણ છે.


દેશની દીકરીને જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button