હાર્દિક-નતાશાની પહેલાં આ ભારતીય ક્રિકેટરો પત્નીથી અલગ પડી ગયા!
મુંબઈ: ભારતીય ક્રિકેટરોના લગ્નજીવન જોખમમાં આવી જવાની વાત સામાન્ય તો નથી, પણ થોડા-થોડા વર્ષે એકાદ ભારતીય ખેલાડીના છૂટાછેડાનો બનાવ કે પત્નીથી અલગ થઈ જવાનો કિસ્સો તો બનતો જ રહેતો હોય છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૅન્કોવિચના ડિવૉર્સનો બનાવ એમાં લેટેસ્ટ છે.
ક્રિકેટરોના મેદાન પરના પર્ફોર્મન્સ તરફ લોકોનું જેટલું ધ્યાન જતું હોય છે એટલું જ આકર્ષણ લોકોને તેમના અંગત જીવન બાબતમાં પણ હોય છે. કેટલાક ભારતીય ખેલાડીઓના લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા તો કેટલાકના લગ્નજીવન તૂટી ગયા. સ્ટાર ખેલાડીઓ યુવા સ્પોર્ટ્સપ્રેમીઓના હીરો હોય છે એટલે તેમના પર્ફોર્મન્સ ઉપરાંત તેમના અંગત જીવનની ઘટનાની પણ યુવા વર્ગના માનસ પર અસર થતી હોય છે.
હાર્દિકની અગાઉ ડિવૉર્સના કિસ્સા જે ભારતીય ક્રિકેટરોના બની ગયા એની વાત કરીએ તો સૌથી પહેલાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ યાદ આવી જાય.
1996માં અઝહરુદ્દીને ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા પત્ની નૌરિનને તલાક આપી દીધા હતા. જોકે પછીથી અઝહર અને સંગીતા પણ અલગ પડી ગયા હતા.
ભૂતપૂર્વ ભારતીય બૅટર વિનોદ કાંબળીએ નાનપણની મિત્ર નોએલા લુઇસ સાથે 2005માં મૅરેજ કર્યા હતા. જોકે પછીથી કાંબળીએ નોએલાને ડિવૉર્સ આપી દીધા હતા અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને ઍન્ડ્રિયા હ્યુઇટ સાથે લગ્ન કર્યા હતા. જોકે તેમનું લગ્નજીવન પણ સુરક્ષિત નથી જણાયું.
વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે 2012માં પત્ની નિકિતા વણઝારાને છૂટાછેડા આપી દીધા હતા. નિકિતાનું કાર્તિકના જ સાથી-ક્રિકેટર મુરલી વિજય સાથે અફેર હોવાનું જણાતાં કાર્તિકે નિકિતાથી અલગ પડી જવાનો નિર્ણય લઈ લીધો હતો. પછીથી વિજયે નિકિતા સાથે મૅરેજ કર્યા હતા. કાર્તિકે થોડા વર્ષ બાદ સ્ક્વૉશ-સ્ટાર દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચો :હાર્દિક-નતાશાના ડિવૉર્સનાં આ કારણો હોઈ શકે…
ભારતીય ઓપનર શિખર ધવને પોતાનાથી 10 વર્ષ મોટી અને ઑસ્ટ્રેલિયામાં રહેતી આયેશા મુખરર્જી સાથે 2009માં સગાઈ કરી હતી અને 2012માં બન્નેએ લગ્ન કર્યા હતા. આયેશા પ્રથમ પતિથી થયેલી બે પુત્રી સાથે શિખરના જીવનમાં આવી હતી. કિક-બૉક્સર આયેશાએ 2014માં પુત્રને જન્મ આપ્યો હતો અને શિખર-આયેશાએ તેનું નામ ઝોરાવર રાખ્યું હતું. શિખર-આયેશાએ આઠ વર્ષના લગ્નજીવન બાદ એકમેકથી છૂટાં પડી જવાનું નક્કી કર્યું હતું. આયેશાએ પ્રથમ પતિને વચન આપ્યું હતું કે તે બન્ને પુત્રીઓનું ધ્યાન રાખશે અને ઑસ્ટ્રેલિયા નહીં છોડે. શિખરનો આગ્રહ હતો કે તે બન્ને પુત્રીઓ સાથે ભારતમાં જ રહે. શિખર-આયેશા વચ્ચે કાનૂની રીતે છૂટાછેડા થઈ ગયા છે અને આયેશા બન્ને દીકરીઓ તેમ જ પુત્ર જોરાવર સાથે ઑસ્ટ્રેલિયામાં રહે છે.
પેસ બોલર મોહમ્મદ શમી પત્ની હસીન જહાંથી અલગ થઈ ગયો છે. જહાંએ કેટલાક આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ કરી ત્યાર બાદ બન્ને વચ્ચે થોડા વર્ષોથી અદાલતમાં કેસ ચાલી રહ્યો છે.