કવર સ્ટોરી : 750 ફિલ્મો પછી પહેલો એવોર્ડ! રવિ કિશનની યાત્રા સંઘર્ષપૂર્ણ છે

-હેમા શાસ્ત્રી
ઝિંદગી ઝંડ બા ફિર ભી ઘમંડ બા…
એક રિયાલિટી શોમાં સાથી કલાકાર પર ખૂબ રોષ ચડ્યો હોવા છતાં મારપીટ કરવા અસમર્થ હોવાથી આ શબ્દો બોલી કલાકારે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. ત્યારે એને ક્યાં ખબર હતી કે આવેશમાં બોલાયેલા એ શબ્દો એક ડાયલોગનું સ્વરૂપ ધારણ કરી લેશે ને ઠેર ઠેર લોકો એનો પેલો ડાયલોગ બોલતા થયા હતા અને પછી તો એ ડાયલોગ કલાકારની ઓળખ બની ગયો.
1993માં પહેલી હિન્દી ફિલ્મ ‘પીતાંબર’ કરી એના 33 વર્ષ પછી ‘ઝિંદગી ઝંડ બા ફિર ભી ઘમંડ બા’ ( અર્થાત એનો કાચો અનુવાદ કંઈક આવો થાય :
‘આ જિંદગી બડી કડાકૂટવાલી છે, છતાં એને મજા કંઈક ઔર જ છે !’) જેવા ડાયલોગના જન્મદાતા રવિ કિશનને પહેલી વાર એવોર્ડ મળ્યો છે.
ગયા મહિને જયપુરમાં આયોજિત 25મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (‘આઈફા’ એવોર્ડ્સ)માં રવિ કિશનને સબ ઈન્સ્પેક્ટર શ્યામ મનોહરના રોલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ એનાયત થયો ત્યારે ભાવવિભોર થયેલા રવિ કિશને કહ્યું હતું કે ‘હિન્દી, ભોજપુરી અને સાઉથની મળીને 750 ફિલ્મો કર્યા પછી પહેલી વાર એવોર્ડ મળ્યો છે. લોગ ચલકર ઉપર આતે હૈં, મૈં રેંગકર ઉપર આયા હૂં’ (લોકો ચાલીને ઉપર પહોંચે છે હું સાપની જેમ પેટે ચાલીને – કીડી વેગે અહીં સુધી પહોંચ્યો છું).
રવિ કિશનની ભલે કોઈ પણ છબી તમારા મનમાં હોય, ‘લાપતા લેડીઝ’ જોશો તો એના માટે માત્ર ને માત્ર આદર જ થશે એની ગેરંટી. ત્રણ દાયકાની કારકિર્દીમાં ટેલિવિઝન શો, હિન્દી ઉપરાંત ભોજપુરી, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનયના અજવાળા પાથરનારા આ એકટરને આવો પ્રતિષ્ઠિત એવોર્ડ પહેલી વાર મળ્યો છે.
અઢળક ફિલ્મો કર્યા પછી રવિ કિશન એવોર્ડથી સન્માનિત તો થયો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા કેટલાક જ્વલંત ઉદાહરણ છે, જેમને અનેક વર્ષ ઉમદા ફિલ્મો કર્યા પછી એક સુધ્ધાં ‘ફિલ્મફેર’ પણ એવોર્ડ નથી મળ્યો. ‘ફિલ્મફેર’ એવોર્ડની વાત કરવાનું એકમાત્ર કારણ એ હતું કે ઘણાં વર્ષો સુધી એ પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવ્યો છે.
આ એવોર્ડ ન પામવાનું સૌથી પ્રતિષ્ઠિત ઉદાહરણ છે ધરમ પ્રાજી – ધર્મેન્દ્રનું. 1960માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ ફિલ્મથી અભિનય યાત્રાનો પ્રારંભ કરનારા ધરમજીને ‘બેસ્ટ એક્ટર:નો ‘ફિલ્મફેર’ એવોર્ડ એક પણ વાર નથી મળ્યો. હા, ચાર નોમિનેશન (ફૂલ ઔર પત્થર, મેરા ગાંવ મેરા દેસ, યાદોં કી બારાત અને રેશમ કી ડોરી) મળ્યા છે ખરા. એમણે સત્યકામ, બંદિની, કાજલ, મમતા, અનુપમા, શોલે, ખામોશી, નયા ઝમાના, વગેરે વગેરે ફિલ્મોમાં વૈવિધ્યપૂર્ણ અને આદર મેળવનારી ભૂમિકાઓ કરવા છતાં ‘ફિલ્મફેર’ એવોર્ડના નામે મોટું મીંડું!
બીજું ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે શશી કપૂર. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કપૂર પરિવારના યોગદાનથી આપણે પરિચિત છીએ. યશ ચોપડા દિગ્દર્શિત ‘ધર્મપુત્ર’થી હીરો બનેલા હેન્ડસમ શશી કપૂરની ખ્યાતિ વધી ‘જબ જબ ફૂલ ખિલે’ ફિલ્મથી. અનેક વૈવિધ્યપૂર્ણ રોલ (હસીના માન જાયેગી, ક્ધયાદાન, શર્મિલી, ચોર મચાયે શોર, કભી કભી, કલયુગ ઈત્યાદિ) કરવા છતાં ‘બેસ્ટ એક્ટર’નો એકપણ ‘ફિલ્મફેર’ એવોર્ડ નથી મળ્યો. હા, ‘દીવાર’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે સન્માનિત થયા હતા ખરા.
ત્રીજું ઉદાહરણ છે ખામોશ – શોટગન સિન્હા – શત્રુઘ્ન સિન્હાનું. મનોજ કુમાર – આશા પારેખની મોહન સેહગલ દિગ્દર્શિત ‘સાજન’ ફિલ્મમાં કોન્સ્ટેબલ તિવારી તરીકે શરૂઆત કર્યા પછી વિલન, હીરો અને બીજી કેટલીક યાદગાર ફિલ્મોમાં શત્રુજીએ પોતાની કાબેલિયત દેખાડી. ‘બ્લેકમેલ, દોસ્ત, કાલીચરણ, વિશ્વનાથ, દોસ્તાના’ જેવી ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં રાજ કરનારા શત્રુઘ્ન સિન્હાને ‘બેસ્ટ એકટર’ નું ‘ફિલ્મફેર’ એવોર્ડનું એક જ નોમિનેશન મળ્યું હતું ફિલ્મ ‘દોસ્ત’ માટે.
તમને જો કહેવામાં આવે કે ખિલાડી અક્ષય કુમારનું નામ પણ આ લિસ્ટમાં છે તો તમને આઘાત ભલે ન લાગે, આશ્ર્ચર્ય જરૂર થશે. એક મિનિટ, અક્ષય કુમારને બે ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યા છે ખરા, પણ બેસ્ટ વિલન (અજનબી) અને બેસ્ટ કોમેડિયન (ગરમ મસાલા) તરીકે.! ‘બેસ્ટ એક્ટર’ તરીકે તો પાટી કોરીકટ જ રહી છે. આવા બીજા પણ ઉદાહરણ છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે પ્રતિભા અને પ્રતિષ્ઠાનો મેળ ઘણી વાર નથી ખાતો.
આપણ વાંચો: રાજેશ ખન્ના જ નહીં બી-ટાઉનનો આ એક્ટર પણ હતો Amitabh Bachchanથી ઈન્સિક્યોર…
સૈયાં હમાર – હીરો હમાર
17 જુલાઈ 1969માં જન્મેલા રવિ કિશનને બાળપણથી જ એક્ટિંગનો ચસ્કો લાગ્યો હતો. રામલીલામાં સીતાનો રોલ કરતા હતા જે એમના પરિવારને જરાય પસંદ નહોતું. જોકે, પિતાના વિરોધની પરવા કર્યા વિના રવિ કિશન એક્ટર બનવાનું ખ્વાબ જોતા રહ્યા. 17 વર્ષની ઉંમરે માતુશ્રી પાસેથી 500 રૂપિયા લઈ યુપીના જૌનપુરથી મુંબઈ પહોંચી ગયો. પાંચેક વર્ષ એક સ્ટુડિયોથી બીજા – ત્રીજા એમ ચપ્પલ ઘસ્યા પછી એક નાનકડો રોલ મળ્યો. એ ભૂમિકા માટે રવિ કિશને બહુ મહેનત કરી, જેને કારણે ફિલ્મ મેકરોની નજરે ચડી ગયા. પછી તો નિયમિત હિન્દી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. ટીવી શોમાંથી પણ ઓફરો મળવા લાગી. જોકે, કોઈ પણ કલાકારને ચડવા માટે સીડી મળ્યા પછી બીજા – ત્રીજા પગથિયે અટકી જવું પડે તો ન ગમે. રવિ કિશનની બાબતમાં એવું જ બની રહ્યું હતું. અને પછી એક ટર્ન આવ્યો. ભોજપુરી ફિલ્મમેકર મોહનજી પ્રસાદ ‘સૈયાં હમાર’ ફિલ્મ માટે નવા ચહેરાની તલાશમાં હતા. કોઈએ રવિ કિશનનું નામ સૂચવ્યું. મોહનજીએ એને કહેણ મોકલ્યું પણ રવિ કિશનને મરાઠી એક્ટર સમજી રિજેક્ટ કરી દીધો હતો.
જોકે, એ જૌનપુરનો છે એની જાણ થતા એને સાઈન કરી લીધો. પહેલી જ ફિલ્મે ધૂમ મચાવી અને રવિ કિશન ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની ગયો. આજે તો ભોજપુરી ઉપરાંત હિન્દી અને સાઉથની ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં પણ ખાસ્સો વ્યસ્ત છે.
બાય ધ વે, તમારી જાણ સહજ, રવિ કિશનને અદાકારી જેટલો જ રાજકારણમાં ય શોખ છે. ગોરખપુરના સક્રિય સાંસદ તરીકે પોતાના સંવાદની છટાથી એ લોકસભા પણ અવારનવાર ગજાવે છે !