વજન છુપાવવા માટે મહિલાઓ બુરખો પહેરે છે પાકિસ્તાની અભિનેત્રીનું વિવાદાસ્પદ નિવેદન
ઇસ્લામાબાદઃ ઉશના શાહ પાકિસ્તાન ફિલ્મ જગતની એક જાણીતી અભિનેત્રી છે. ઉશનાના જાનદાર અભિનય અને ખુબસુરતી પર ફેન્સ ફિદા રહેતા હોય છે. જોકે, આજકાલ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. તમને પણ વિચાર થશે કે આટલી સુંદર, ઉત્તમ અભિનય કરનારી અભિનેત્રીને તે વળી શું કામ ટ્રોલ કરવામાં આવી રહી છે. તો અમે આપને એનું કારણ જણાવી દઇએ છીએ.
વાત જાણે એમ છે કે થોડા સમય પહેલા અભિનેત્રી ઉશના શાહ તેના પતિ સાથે ઉમરાહ પર ગઇ હતી. ઉમરાહથી પરત ફર્યા બાદ અભિનેત્રી હિજાબ વિના જ જોવા મળતી હતી. હિજાબ નહીં પહેરવાને કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે આ અંગે ઉશનાએ એક ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરી છે. ઉશનાએ તેના હેટર્સ અને ટ્રોલર્સને ધારદાર જવાબ આપ્યો છે. ઉશનાએ જણાવ્યું હતું કે સમાજમાં મહિલાઓને હંમેશા તેમના વસ્ત્ર પરિધાનના આધારે જજ કરવામાં આવે છે. લોકોને લાગે છે કે તમે હિજાબ પહેરો કે માથાથી પગ સુધી ઢંકાયેલા કપડા પહેરો છો, તો તમે સારી વ્યક્તિ છો, પણ જો તમે લહેંગા-ચોળી કે પછી સ્લીવલેસ કપડાં પહેરી લીધા તો તમે લોકોની નજરમાં ખરાબ બની જાઓ છો. મેં સિક્કાની આવી બે બાજુ જોઇ છે અને અનુભવી પણ છે. ઘણા લોકો હિજાબ પહેરે છે. પગથી માથા સુધી ઢંકાયેલા રહે છે. હું તેઓ સારા છે એવું નથી માનતી. મેં વેસ્ટર્ન ડ્રેસ પહેરતી ઘણી મહિલાઓને પણ જોઇ છે. તેઓ ખરાબ છે, એવું પણ હું નથી માનતી. આ દરેક મહિલાનો અંગત મામલો છે. દરેક મહિલાની પર્સનલ ચોઇસ હોય છે. એને બીજા કોઇ સાથે કંઇ લેવાદેવા નથી. દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ અનુસાર કપડા પહેરે છે.
ઉશનાએ એમ પણ જણાવ્યું હતું કે તેને પણ હિજાબ પહેરવો ઘણો પસંદ છે. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે મોટા ભાગની મહિલાઓ હિજાબ શા માટે પહેરે છે, એની તેને ખબર છે, કારણ કે હિજાબ પહેરવાથી તમે ફ્રી હોવાનું અનુભવો છો. તમારા મનમાંથી વધી ગયેલા વજનનું કે સારુ પોશ્ચર બનાવવાનું પ્રેશર નીકળી જાય છે. સાદગીમાં મહિલા ઘમી સુંદર પણ લાગે છે અને તેની વાળ ઓળવાની કે હેર સ્ટાઇલ કરવાની ઝંઝટમાંથી પણ છૂટકારો મળી જાય છે. આમ પણ સાદગીમાં મહિલાઓ સુંદર જ દેખાતી હોય છે.