
અમદાવાદઃ કિંજલ દવેની સગાઈનો વિવાદ હાલ ખૂબ ચગ્યો છે. આ વિવાદમાં કોંગ્રેસ નેતા પણ કૂદ્યા છે અને તેમણે કિંજલને ખરીખોટી સંભળાવી હતી. કોંગ્રેસ નેતા અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેને હેમાંગ રાવલે કિંજલ દવે સામે મોરચો માંડ્યો છે. હેમાંગ રાવલે કિંજલ દવે પર ‘વિક્ટિમ કાર્ડ’ રમવાનો આરોપ લગાવતા કહ્યું છે કે સમાજ દ્વારા લેવાયેલો નિર્ણય બંધારણીય અને યોગ્ય છે. કિંજલનું જોઈને અન્ય દીકરીઓ પણ આવા નિર્ણય ન કરે તે માટે સમાજે નિર્ણય કર્યો છે. કિંજલ દવેએ સમાજના આગેવાનો પર કરેલા ‘અસામાજિક’ હોવાના અને બાળલગ્નના આક્ષેપોને રાવલે પાયાવિહોણા ગણાવીને પુરાવા રજૂ કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
હેમાંગ રાવલે કિંજલને શું ખરીખોટી સંભળાવી
હેમાંગ રાવલે કહ્યું કે, કિંજલબેન જો બ્રહ્મસમાજના અગ્રણીઓને અસામાજિક તત્વો કહેતા હોય તો તેમણે આ અગ્રણીઓ પર કેટલા કેસ થયા છે અને તેમને કેટલી સજા થઈ છે તે પણ જાહેર કરવું જોઈએ. જો તેમની પાસે કોઈ પુરાવા ન હોય તો તેમણે આ નિવેદન બદલ માફી માંગવી જોઈએ. બ્રહ્મ સમાજમાં બાળ લગ્ન થતા નથી. આગેવાનો પર કરેલા બેહૂદા આક્ષેપો ચલાવી લેવામાં આવશે નહીં.
સમાજે જ્ઞાતિના બંધારણ મુજબ નિર્ણય લીધોઃ હેમાંગ રાવલ
આ ઉપરાંત હેમાંગ રાવલે કહ્યું, બ્રહ્મ સમાજે કિંજલ દવેને પણ પ્રોત્સાહિત કર્યા છે. સમાજે દીકરીઓ ગાતી હોય તેનો ક્યારેય વિરોધ કર્યો નથી. સમાજ તો દીકરીઓ આગળ વધે તે માટે યુપીએસસી અને જીપીએસસીના મફ્ત કલાસ ચલાવે છે. જ્યારે આવી મદદ કરવામાં આવતી હોય ત્યારે દીકરીઓની પાંખો કાપવાની વાત ક્યાંથી આવે. સમાજે જે નિર્ણય લીધો છે તે જ્ઞાતિના બંધારણ મુજબ લીધો છે.
અત્યાર સુધીમાં અનેક લોકો કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે. સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ દર્શીત જાની એ મુંબઈ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કિંજલ દવે પરિવારનો બહિષ્કાર અયોગ્ય છે. સામાજિક કુપ્રથાઓને બંધ થવી જોઈએ. દિકરીને અન્યાય ન થાય તે જોવાની જવાબદારી સમાજની છે.
આપણ વાંચો: કિંજલ દવેના કુટુંબને ન્યાત બહાર મૂકવાના વિવાદ વચ્ચે કિંજલના ફિયાન્સ ધ્રુવીને શું મૂકી પોસ્ટ ?



