બોલો, આ અભિનેત્રી ગ્લેમર વર્લ્ડ છોડી આઈએએસ બની
ઘણા સેલિબ્રિટી છે જેમણે બેંકની નોકરી, ડોક્ટરી કે પછી સારી સારી તકો છોડી ફિલ્મની દુનિયામાં પ્રવેશ કર્યો હોય. તેમાંથી ઘણા સફળ થયા અને ઘણાને નિરાશા પણ સાંપડી. ફિલ્મ સાથે જોડાયેલા લગભગ બધા કલાકારો આજકાલ બીજા કોઈ ધંધા સાથે પણ જોડાયા છે, તેવામાં એક એવી અભિનેત્રીની વાત બહાર આવી છે જેણે ફિલ્મી દુનિયાની ઝાકમઝોળ મૂકીને સિવિલ સર્વિસનું ક્ષેત્ર પસંદ કર્યું છે અને આઈએએસ બની ગઈ છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું બીજું નામ છે ગ્લેમર વર્લ્ડ, જેનું ગ્લેમર જોઈને કોઈપણ વ્યક્તિ આકર્ષીત થઈ જાય છે. ઘણા એવા સેલેબ્સ છે, જેમણે એક્ટિંગની દુનિયામાં આવવા માટે સારી નોકરીઓ પણ નકારી કાઢી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક અભિનેત્રી એવી પણ છે જેણે ગ્લેમરની દુનિયા છોડી આઈએએસ ઓફિસર બની. આ અભિનેત્રી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. જાણો કોણ છે એ અભિનેત્રી જે હવે IAS ઓફિસર બની છે.
અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે કન્નડ અભિનેત્રી એચએસ કીર્થાના છે. કીર્થનાએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. કીર્થાના ગંગા- યમુના, ઉપેન્દ્ર, સર્કલ ઈન્સ્પેક્ટર, લેડી કમિશનર, ‘જનની, કનુર હેગદાતી, ઓ મલ્લિગે, હબ્બા, દોર, સિમહાદ્રી અને પુતાની એજન્ટ સહિત અનેક ટીવી સિરિયલોમાં બાળ કલાકાર તરીકે દેખાઈ છે. જો કે જ્યારે તે મોટી થઈ, તેણે IAS અધિકારી બનવાનું નક્કી કર્યું અને UPSC પરીક્ષા આપી.
પરંતુ એચએસ કીર્થાના માટે અભિનેત્રી બનવાથી લઈને આઈએએસ ઓફિસર બનવા સુધીની સફર સરળ ન હતી. તે પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી શકી ન હતી પરંતુ એચએસ કીર્થાનાએ તેના સપના પૂરા કરવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને આખરે છઠ્ઠા પ્રયાસમાં, તેણે AIR 167 સાથે UPSC પરીક્ષા પાસ કરી અને કર્ણાટકના મંડ્યા જિલ્લામાં આસિસ્ટન્ટ કમિશનરની પહેલી સેવા આપી. જ્યારે આઈએએસ અધિકારી બનતા પહેલા કીર્થાનાએ વર્ષ 2011માં કર્ણાટક વહીવટી સેવાઓની પરીક્ષા આપી હતી અને સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી હતી અને કર્ણાટક સરકારમાં નોકરી કરતા કરતા તેણે આઈએએસની પરીક્ષા પાસ કરી.