Chhava Movie Review: દમદાર સ્ટોરી અને પરફોર્મન્સ, વિકી જ નહીં આ બે અભિનેતાની એક્ટિંગ પણ જોવા જેવી

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ સાથે ટક્કર ન થાય અને બન્ને ફિલ્મોને નુકસાન ન થાય તે માટે વિકી કૌશલની હિસ્ટોરિકલ ડ્રામા છાવા (Chhava) આજે થિયેટરોમાં રિલિઝ થઈ છે. ફિલ્મની ઘણી પ્રશંસા થઈ રહી છે ત્યારે આવો જાણીએ ફિલ્મ કેવી છે.
ફિલ્મની વાર્તા
બોલીવૂડમાં ઈતિહાસના પાત્રો અને ઘટનાઓને આધાર રાખી ઘણી ફિલ્મો બની છે. છાવા પણ તેમાંની એક છે. મહાન મરાઠા લડવૈયા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની બહાદૂરીની ગાથા કહેતી આ ફિલ્મ ઘણી સારી પિરિયોડિકલ ફિલ્મોમાંની એક કહેવાશે. ફિલ્મની વાર્તા કહી અમે તમારી મજા નહીં બગાડીએ, પણ ઈતિહાસનું આ પાનું અને સંભાજી મહારાજની વીરતા તમને ચોક્કસ જોમથી ભરી દેશે.

કેવી છે એન્ટિંગ, ડિરેક્શન
ઈતિહાસના પન્ના પર જે જીવી ગયા હોય તેવા પાત્રોને કેમરા સામે ફરી જીવતા કરવાનું કામ સહેલું નથી. જેમને તમે માત્ર વાંચ્યા છે, જોયા પણ નથી તેમના હાવભાવ, બોલચાલ વગેરે પાત્રને અનુરૂપ કરવા માટે મોટી મથામણ કરવી પડે છે. માત્ર શરીર નહીં આંખોથી માંડીને એક એક સંવાદ પર તમારે કામ કરવું પડે. ફિલ્મના મુખ્ય પાત્ર વિકી કૌશલે અગાઉ ઉધમ સિંહ કરેલી છે, જે બાયોપિક અને પિરિયોડિકલ એમ બન્ને કેટેગરીમાં આવે છે. છાવા પણ આ બન્ને કેટેગરીમાં આવી શકે કારણ કે તે સમયના મરાઠા રાજાની વાત છે. જોકે બન્ને પાત્રો એકદમ અલગ છે, પણ અભિનેતા એક છે અને વિકીએ પોતાના અભિનયનો ઉત્કૃષ્ટ નમૂનો આ ફિલ્મ દ્વારા આપ્યો છે.

અગાઉ તેની બાયોપિક માણેક શૉમાં પણ તેનું પાત્ર વખાણાયું હતું, પરંતુ આઝાદી પછીના મહાનુભાવનું પાત્ર ભજવવા તમને ઘણું સાહિત્ય મળી રહેતું હોય છે જ્યારે ઐતિહાસિક પાત્ર ભજવવું ખૂબ જ અઘરું હોય છે. વળી, સંભાજી મહારાજ સાથે મરાઠી સમુદાય સહિત સૌના ઈમોશન્સ જોડાયેલા છે, આથી નાનકડી ચૂક ભારે પડી શકે તેમ છે, પરંતુ વિકીએ કોઈ કસર છોડી નથી. પાત્રની દરેક બારીકાઈ પર તેમે કામ કર્યું છે અને તે તમને દેખાય છે. હા, અમુક સિન્સમાં તેનું રાડો પાડવાનું ઑવર લાગે છે, પરંતુ યેશુબાઈ સાથે હોય કે રણભૂમિ પર સંભાજી મહારાજ તેનામાંથી ક્યારેય અલગ થતાં નથી.

જોકે વિકીને અન્ય કોઈ ફિલ્મનો હીરો ટક્કર મારે કે ન મારે, તેની જ ફિલ્મના બે હીરો ટક્કર આપે છે અને તે પણ બરાબરની. એક તો મોગલ રાજા ઔરંગઝેબના પાત્રમાં દેખાયેલા અક્ષય ખન્ના અને બીજા કવિ ક્લેશના પાત્રમાં દેખાયેલા વિનીત કુમાર સિંહ. ઔરંગઝેબ લગભગ પોતે મૂંઝવણમાં મૂકાઈ જાય કે ઓરિજનલ કોણ છે તે રીતે અક્ષય ખન્ના આ પાત્રમાં ઢળ્યો છે. રસ્તામાં મળે તો તમને પણ તેના પર જય ભવાની કરીને ત્રાટકાવાનું મન થાય તેવી તેની એક્ટિંગ છે. તો બીજી બાજુ વિનય સિંહે પણ સૌને ચોંકાવી દીધા છે. ત્રણેયમાંથી કોણ શ્રેષ્ઠ તે કહેવાનું મુશ્કેલ છે. તો રશ્મિકા મંદાના પણ યેશુબાઈના પાત્રમાં ઘણી ખિલી છે. તેની સ્ક્રીન પ્રેઝન્સ લિમિટેડ હોવા છતાં તે દર્શકોને યાદ રહી જાય તેમ છે. બાકીના પાત્રોનું કામ પણ સારું છે.

ડિરેક્ટશનની વાત કરીએ તો લક્ષ્મણ ઉત્તેકર સારી ફિલ્મો આપી ચૂક્યા છે. લુકા છુપી, મિમી, હિન્દી મીડિયમ જેવી ફિલ્મો તેમણે આપી છે, પરંતુ ઐતિહાસિક ફિલ્મનું ડિરેક્શન સ્પેશિયલ સ્કીલ્સ માગી લે છે અને તે ઉત્તેકરે બતાવી છે. ફિલ્મ સતત ફ્લોમાં ચાલતી રહે છે. ઈતહાસના જરૂર જેટલા જ પના ખોલવામાં આવ્યા છે, ઘણુબધું કહીને ફિલ્મને જટિલ બનાવવામાં આવી નથી. ફિલ્મ મનોરંજક છે, પણ ઘટનાઓનું રૂપાંતરણ ફિલ્મી નથી લાગતું, ઈતિહાસ તમારી સામે ફરી ભજવાતો હોય તેમ લાગે છે. અમુક સિન્સ ડાર્ક કે વધારે લાઉડ લાગે છે, પણ તે બારીકાઈથી ફિલ્મ ન જૂઓ તો ખબર જ નહીં પડે. ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાનનું છે, પરંતુ અફસોસ સાથે કહેવું પડે કે અપ ટુ ધ માર્ક નથી. એવરેજ છે. મ્યુઝિક અને ગીતો વધારે રંગત લાવી શક્યા હોત. સેટ્સ સારા છે.

સરવાળે ફિલ્મ એક સારો અનુભવ છે. ખાસ કરીને જો તમને ઐતિહાસિક ફિલ્મો જોવી ગમતી હોય તો. અને હા, આ ફિલ્મ ઓટીટી પર આવશે, પણ તેની અસલી મજા મોટા પડદા પર જોવાની જ છે, તો ઈચ્છા હોય તો થિયેટરમાં જ જઈને જોજો.
મુંબઈ સમાચાર રેટિંગઃ 4/5