‘શતરંજ કે ખિલાડી’ વિશ્વનાથ આનંદને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા
ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર, વિશ્વનાથન આનંદ, 11 ડિસેમ્બરના રોજ તેમનો 53મો જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ મદ્રાસ અને હવે ચેન્નાઈમાં થયો હતો. છ વર્ષની ઉંમરે તેમની માતા સાથે ચેસની રમત રમીને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા બનનારા વિશ્વનાથ આનંદે લાંબી મજલ કાપી છે. આજે તેમના જન્મ દિવસે આપણે તેમની સફર પર એક નજર નાખીએ.
વિશ્વનાથન આનંદ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી હતા. ખાસ વાત એ છે કે આ પછી પદ્મશ્રી પણ મેળવનાર વિશ્વનાથન આનંદ પહેલા ખેલાડી હતા. ત્યારથી, દરેક રમત સાથે સંકળાયેલા ખેલાડીઓને સતત આ એવોર્ડ મળી રહ્યો છે. જોકે, વિશ્વનાથ આનંદ એક ચેમ્પિયન ચેસ ખેલાડી તરીકે ઓળખાય છે, પરંતુ તેઓ વિશી તરીકે પણ ઓળખાય છે. આનંદ કુલ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. તેઓ વર્ષ 2000, 2007, 2008, 2010, 2012માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. 2010માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ અને યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથેના લંચમાં આમંત્રિત થનાર આનંદ પ્રથમ ખેલાડી હતા.
વિશ્વનાથ આનંદની માતાએ તેમને ચેસની રમતમાં લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આનંદ જ્યારે માત્ર છ વર્ષના હતા, ત્યારે તેમણે આ રમત રમવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમાં મહારત મેળવી યુક્તિઓથી બીજાઓને હરાવવાનું શરૂ કર્યું. આનંદનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે 1991માં ગેરી કોસ્પારોવને હરાવીને શતરંજની દુનિયામાં પહેલીવાર પોતાની છાપ છોડી અને દુનિયાભરના લોકો આનંદને જાણવા લાગ્યા. જો કે, આ પહેલા પણ વર્ષ 1988માં આનંદ ભારતનો પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. પરંતુ તે 1991માં જ દુનિયાની નજરમાં આવ્યા.
તેમના 53મા જન્મદિવસ પર, અહીં ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદની કેટલીક ટોચની સિદ્ધિઓ પર એક નજર
14 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સબ-જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા અને 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયન બન્યા. ત્યારબાદ તેઓ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. આનંદને 1988માં ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવા માટે આ ખિતાબ મળ્યો હતો.
વિશ્વ ચેસ ચેમ્પિયન ટાઇટલઃ દર વર્ષે શ્રેષ્ઠ વૈશ્વિક ચેસ ખેલાડીનો તાજ મેળવવાની આ સ્પર્ધામાં આનંદે 2000, 2007, 2008, 2010 અને 2012માં એમ પાંચ વખત ખિતાબ જીત્યો હતો. તેઓ ચાર વખત ચેસના ‘વર્લ્ડ ચેમ્પિયન’ પણ હતા.
વિશ્વભરના ચેસ પત્રકારો દ્વારા સબમિટ કરાયેલા મતોના આધારે શ્રેષ્ઠ વૈશ્વિક ચેસ ખેલાડીને વાર્ષિક ચેસ ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આનંદે 1997, 1998, 2003, 2004 અને 2007માં પાંચ વખત આ ખિતાબ જીત્યો હતો.
આનંદ FIDE રેટિંગ લિસ્ટ (અગાઉ ELO-રેટિંગ) પર 2,800-નો આંક તોડનાર ઇતિહાસના છ ખેલાડીઓમાંના એક છે. 2003માં આવું કરનાર તેઓ ચોથા ખેલાડી છે અને એપ્રિલ 2007માં તેઓ પ્રથમ વખત વિશ્વના નંબર ૧ ખેલાડી બન્યા હતા.
આ ઉપરાંત 1985માં તેમને અર્જુન એવોર્ડ, 1987માં પદ્મશ્રી, 1987માં રાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર, 1987માં સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, સ્પોર્ટસ્ટાર બેસ્ટ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર-1995, બુક ઓફ ધ યર, 1998 ( માય બેસ્ટ ગેમ્સ ઓફ ચેસ પુસ્તક માટે ), સ્પોર્ટસ્ટાર મિલેનિયમ એવોર્ડ-1998, પદ્મ ભૂષણ એવોર્ડ-2000, પદ્મ વિભૂષણ પુરસ્કાર-2007 વગેરે વગેરે… તેમણે મેળવેલા પુરસ્કારોની યાદી લાંબી છે.
તાજેતરમાં વિશ્વનાથન આનંદે એક એકેડમી ખોલી છે, તેને વેસ્ટબ્રિજ આનંદ એકેડમી નામ આપ્યું છે. આ માટે આનંદે દેશભરમાંથી પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે. જેમને આનંદ તાલીમ આપશે અને દર વર્ષે લાયક ખેલાડીઓની પસંદગી કરશે અને વર્લ્ડ લેવલ ચેસ રેન્કિંગમાં સ્થાન મેળવવા માટે મદદ કરશે. એક ગ્રહનું નામ પણ આનંદ રાખવામાં આવ્યું છે. તેનું નામ ‘4536 વિષયાનંદ’ રાખવામાં આવ્યું છે. આનંદ આવો માત્ર ત્રીજો ખેલાડી છે. આનંદે ‘માય બેસ્ટ ગેમ્સ ઓફ ચેસ’ નામનું પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેણે પોતે પોતાના વિશે ઘણું બધું કહ્યું છે.