હેપ્પી બર્થ ડેઃ 40 વર્ષ બાદ પણ નવી કારકિર્દી શરૂ કરી શકાય તે શિખવાડ્યું આ સેલિબ્રિટીએ

જીવનના 40-42 વર્ષ પસાર થઈ ચૂક્યા હોય અને એકાદ કામ હાથમાં લઈ લીધું હોય તે બાદ નવા જ ક્ષેત્રમાં પ્રવેશવું અને એ પણ એવા જેમાં કામ મળવાનું કોઈ ઠેકાણું નહીં, કામ મળે તો સફળતાનો કોઈ દાવો નહીં અને સફળતા એકવાર મળી પણ જાય તો તેને ટકાવી રાખવા માટે એટલી જ કસરત કરતા રહેવાનું. જોકે તેમ છતાં આજના સેલિબ્રિટીએ આવા જ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને શરૂઆતી સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખી રહ્યા છે. આ સેલિબ્રિટી એટલે મુન્નાભાઈ એમબીબીએસના ડો. અસ્થાના અથવા થ્રી ઈડિયટના વાયરસ એટલે કે આપણા બોમન ઈરાની.
બોમન ઈરાની છેલ્લા 20 વર્ષથી પોતાના અભિનયથી ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન આવા ઘણા પાત્રો ભજવ્યા છે, જે આજે પણ દર્શકોને યાદ છે.
બોમન ઈરાનીનો જન્મદિવસ 2જી ડિસેમ્બરે છે. બોમન ઈરાનીએ 42 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે પહેલા તે હોટલમાં વેઈટરનું કામ કરતા અને ક્યારેક ફોટોગ્રાફર તરીકે લોકોની તસવીરો ક્લિક કરતા હતા. જોકે તમારા નસીબનું તમને ક્યારે મળે તે ખબર હોતી નથી. બોમન ઈરાની સાથે પણ કંઈક આવું જ થયું. બોમન ઈરાની જ્યારે ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા ત્યારે તેમની મુલાકાત પ્રખ્યાત કોરિયોગ્રાફર શામક દાવર સાથે થઈ હતી.
શામક દાવરે બોમન ઈરાનીનો પરિચય થિયેટર ડિરેક્ટર સાથે કરાવ્યો હતો. આ પછી, અભિનેતા થિયેટરની દુનિયામાં પ્રવેશ્યા અને તેમણે ઘણી નામના મેળવી. જોકે ઘરઘરમાં જાણીતા થવાનું હજુ દૂર હતું. વર્ષ 2001 માં, અભિનેતાને બે અંગ્રેજી ફિલ્મોમાં કામ કરવાની તક મળી.
વર્ષ 2003માં બોમન ઈરાનીએ ફિલ્મ ‘ડરના જરૂરી હૈ’માં કામ કર્યું હતું. આમાં તેણે સૈફ અલી ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. બોમન ઈરાની સાયકો કિલરની ભૂમિકામાં સૌનું ધ્યાન ખેંચી ગયા હતા. આ પછી બોમન ઈરાનીને સંજય દત્તની ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ મળી, જેણે તેની કારકિર્દી આસમાને પહોંચાડી દીધી. બોમને ડોક્ટર અસ્થાનાનું પાત્ર ભજવીને બધાનું દિલ જીતી લીધું હતું. તમે જ્યારે પણ મુન્નાભાઈ યાદ કરો ત્યારે તમને સંજય દત્ત, અરશદ વારસી અને ગ્રેસી સિંહની સાથે સાથે તરત જ બોમન ઈરાની યાદ આવે અને તમારા ચહેરા પર હાસ્ય ફરી વળી.
તે બાદ તેમની કારકિર્દી ઝડપથી દોડતી થઈ ગઈ. બોમન ઈરાનીએ તે 3 ઈડિયટ્સ, ડોન, ડોન 2, હેપ્પી ન્યૂ યર, સંજુ, લગે રહો મુન્ના ભાઈ, હાઉસફુલ, પીકે, જોલી એલએલબી, હાઉસફુલ, ખોસલા કા ઘોસલા, શિરીદ ફરહાદ કી તો નિકલ પડી, રનવે, ઉંચાઈ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતાનો પરચો આપ્યો છે.
સ્વભાવે ખૂબ સરળ અને નિખાલસ બોમનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.