જોલી એલએલબી-3ને પ્રેક્ષકોએ વધાવીઃ જાણો બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા | મુંબઈ સમાચાર
મનોરંજન

જોલી એલએલબી-3ને પ્રેક્ષકોએ વધાવીઃ જાણો બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા

સુભાષ કપૂરની કોર્ટરૂમ ડ્રામા જૉલી એલએલબી-3 થિયેટરોમાં આવી ગઈ છે અને છવાઈ પણ ગઈ છે. અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લા સાથે આ ફિલ્મમાં ગજરાજ રાવ અને સીમા બિશ્વાસ પણ છે. ફિલ્મ બે દિવસથી સારું કલેક્શન કરી રહી છે. આ ફિલ્મ સાથે યોગી આદિત્યનાથની બાયોપિક અજેય પણ રિલિઝ થઈ હતી, પરંતુ ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાં તેને સારો પ્રતિસાદ મળ્યો નથી. આ સાથે અનુરાગ કશ્યપની નિશાનચી પણ દર્શકોને ખાસ ગમી નથી. આથી જૉલી માટે મોકળું મેદાન છે.

ફિલ્મને ઑપનિંગ ડે અને શનિવારે સારું કલેક્શન મળ્યું છે. પહેલા દિવસે એટલે કે શુક્રવારે ફિલ્મે 12.75 કરોડનું કલેક્શન કર્યું હતું. જે શનિવારે વધીને 20 કરોડ થઈ જતા કુલ 32.75 કરોડનું કલેક્શન ફિલ્મે બે દિવસમાં કરી લીધું છે. આજે રવિવારે ફિલ્મ વધારે કમાણી કરશે તેમ માનવામાં આવે છે.

જોકે ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મુબંઈ-થાણેમાં આવતીકાલથી નવરાત્રીની ધૂમ મચશે. આ સિવાય પણ દેશના ઘણા શહેરોમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે, આથી આનો ફટકો ફિલ્મને પડી શકે છે.

જોલી એલએલબીની પહેલી સિરિઝ 2013માં રિલિઝ થઈ હતી. અરશદ વારસી, સૌરભ શુક્લા અને અમૃતા રાવની ફિલ્મને સારો રિસ્પોન્સ મળતા સુભાષ કપૂરે તેની ફ્રેન્ચાઈઝી બનાવી દીધી અને અક્ષય કુમાર અને હુમા કુરેશને સાથે લઈ સિક્વલ બનાવી. હવે તેની ત્રીજી સિરિઝ રિલિઝ થઈ છે, જેમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો લેવામાં આવ્યો છે. આ લીગલ-ઈમોશનલ ડ્રામા લોકોને ગમી ગયો છે અને ફિલ્મનો રિવ્યુ સારો આવ્યો છે. હવે જોવાનુ એ છે કે ફિલ્મ કેટલી કમાણી કરે છે.

આ પણ વાંચો…જોલી એલએલબી 3 માટે અક્ષય કુમારને અરશદ વારસી કરતા 95% વધુ ફી મળી, જાણો કોણે કેટલા છાપ્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button