કોલ્ડપ્લે કોન્સર્ટ મામલે BookMyShowની મુશ્કેલીઓ વધી! CEOને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું
મુંબઈ: જાન્યુઆરી 2025માં નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટ(Coldplay concert in Mumbai)ની ટિકિટ માટે ચાહકોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં બધી જ ટિકીટો વેચાઈ જતા હવે ટિકિટની કાળાબજારી થઇ રહી છે. એવામાં ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ BookMyShowની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
BookMyShowના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને કો-ફાઉન્ડર આશિષ હેમરાજાની (Ashish Hemrajani) અને કંપનીના ટેકનિકલ હેડ સામે કથિત બ્લેક માર્કેટિંગના મામલે ફરી સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW)એ તેમને શનિવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતાં, હવે EOWએ બીજું સમન્સ જાહેર કરી તેમને આજે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને પોલીસના સંપર્કમાં નથી.
પોલીસે એડવોકેટ અમિત વ્યાસની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે કોલ્ડપ્લેની ભારતની ટૂર ટિકિટો, જેની કિંમત મૂળરૂપે ₹2,500 હતી, તે થર્ડ પાર્ટી અને ઇન્ફ્લુએન્સર્સ દ્વારા ₹3 લાખ જેટલી કિંમતમાં રી સેલ કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે BookMyShowએ જનતા અને કોલ્ડપ્લેના ચાહકોને છેતર્યા છે અને કંપની વિરુદ્ધ છેતરપિંડીના આરોપમાં કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે.
પોલીસે અમિત વ્યાસનું નિવેદન નોંધી લીધું છે અને કથિત ટિકિટ સ્કેલિંગમાં સંડોવાયેલા કેટલાક દલાલોની ઓળખ કરી લીધી છે.
BookMyShowએ એવો પણ દાવો કર્યો હતો કે તમામ ખરેખરા ચાહકોને તક મળે એ સુનિશ્ચિત કરવા માટે તેણે સંખ્યાબંધ પગલાં લીધાં છે અને અનધિકૃત સ્રોતોમાંથી ટિકિટ ખરીદવા સામે ચેતવણી આપી છે. BookMyShowના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે BookMyShow ટિકિટના સ્કેલ્પિંગ અને બ્લેક માર્કેટિંગની પ્રથાનો વિરોધ કરે છે, જે કાયદા હેઠળ સજાપાત્ર છે, અને કહ્યું કે કંપનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.