બોલીવૂડને વર્ષનું પહેલું ક્વાર્ટર ન ફળ્યુંઃ એક જ સુપરહીટ અને 9 સુપરફ્લોપ

ફિલ્મો આપણી માટે માત્ર મનોરંજનનું સાધન છે, પરંતુ આ એક ઉદ્યોગ પણ છે અને હજારોને આનાથી રોજીરોટી મળે છે. નિર્માતાઓ કમાણી કરે છે અથવા તારાજ પણ થાય છે. બોલીવૂડ મહેસૂલી આવકનો મોટો સ્ત્રોત છે અને જો ફિલ્મો કમાણી ન કરે તો થિયેટરો સહિત ઘણાખરા ઉદ્યોગોને પણ ધક્કો લાગે છે. વર્ષ 2025ના પહેલા ત્રણ મહિના પૂરા થયા છે (First quarter of bollywood 2025) અને જો આ ત્રણ મહિનામાં ફિલ્મોની કમાણીના લેખાજોખા કરવામાં આવે તો દૃશ્ય ખાસ કંઈ રંગીન નથી. મોટા બેનર અને કરોડોના ખર્ચે બનેલી ફિલ્મો ફ્લોપ થઈ છે. વિશેષ સુપરહીટ કહી શકાય તેવી એક જ ફિલ્મ આ ત્રણ મહિનામાં આવી છે બાકીની એવરેજ અથવા ફ્લોપ સાબિત થઈ છે.

આ ફિલ્મોએ લાખના બાર હજાર કર્યા
વર્ષની શરૂઆત સોનુ સુદની ફતેહ અને કંગના રનૌતની ઈમરજન્સી સાથે થઈ અને બન્ને ફિલ્મો લગભગ ડિઝાસ્ટર સાબિત થઈ. સોનુની ફિલ્મે તો માત્ર 12 કરોડનું કલેક્શન કર્યું જ્યારે કંગનાની ફિલ્મ બની તો રૂ. 60 કરોડમાં પણ બિઝનેસ માત્ર રૂ. 14 કરોડનો કર્યો. ત્યારબાદ અભિષેક કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આઝાદ આવી. અજય દેવગન અને રાશા થડાની અને અમાન દેવગનની નિવોદીત જોડી હોવા છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર કંગાળ દેખાવ કર્યો. ફિલ્મનું ગીત ઉઈ અમ્મા…ઘણું જ ફેમસ થયું, પણ ફિલ્મ સુપરફ્લોપની યાદીમાં આવી. ફિલ્મે માત્ર રૂ. 6.50 કરોડનો બિઝનેસ કર્યો. આવા જ હાલ સુપરસ્ટાર શાહિદ કપૂરને ચમકાવતી ફિલ્મ દેવાના થયા. ફિલ્મે માત્ર 32 કરોડનો બિઝનેસ કર્યો અને થિયેટરોમાંથી ક્યારે આઉટ થઈ ગઈ ખબર જ ન પડી. યંગ જનરેશની ડિજિટલ લવસ્ટોરીને ચમકાવતી આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂરની લવયાપા પણ ખાસ કંઈ ઉકાળી ન શકી અને 8.50 કરોડનો બિઝનેસ કરી સમેટાઈ ગઈ. અર્જુન કપૂર, ભૂમિ પેડણેકર અને રકુલપ્રિતની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવીના પણ આવા જ હાલ થયા. ભગનાની બાપ-દીકરાની ફિલ્મે માંડ 7.50 કરોડનું કલેક્શન કર્યું. મોટાભાગની ફિલ્મો તેની ઢંગધડા વગરની વાર્તાને કારણે લોકોને પસંદ ન આવી.

આ સારી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર પીટાઈ
વાર્તા અને નિર્દેશનની દૃષ્ટિએ સારી કહી શકાય તેની બે ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર કમાલ ન બતાવી શકી. એક તો વરુણ ગ્રોવર અને રીમા કાગતીની સુપરબોયઝ ઓફ માંલેગાંવ અને બીજી સોહમ શાહની ક્રેઝી. બન્ને ફિલ્મોને સારા રિવ્યુ મળ્યા, પરંતુ બોક્સ ઓફિસ પર અનુક્રમે 4 કરોડ અને 12 કરોડ જ કમાઈ શકી.
આપણ વાંચો: ACP પ્રદ્યુમ્નના મૃત્યુની Sony TVએ કરી પોસ્ટ અને ફેન્સે કહી દીધું CID માટે RIP
આ ફિલ્મો હીટ નહીં પણ એવરેજ
2025 પણ અક્ષય કુમાર માટે ખાસ કંઈ શુભ સમાચાર લઈને આવ્યું નહીં. તેની ફિલ્મ સ્કાય ફોર્સ 1965ના યુદ્ધ પર બની હતી. વીર પહાડીયા, સારા અલી ખાન અને નિમરત કૌર પણ ફિલ્મમાં હતા. ફિલ્મે સારી શરૂઆત કરી પણ પછી લાંબુ દોડી શકી નહીં. ફિલ્મે લાઈફટાઈમ રૂ. 109 કરોડનો બિઝનેસ કર્યો. આવું જ સલમાન ખાનની સિકંદર સાથે થયું છે. ફિલ્મ હજુ થિયટરોમાં છે, પરંતુ સાત દિવસ પછી પણ રૂ. 100 કરોડનો આંકડો પાર કરી શકી નથી. ફિલ્મ વધીને ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 105 કે 110 કરોડનો બિઝનેસ કરશે. જ્હોન ઈબ્રાહીમની ફિલ્મ ડિપ્લોમેટનો રિવ્યુ સારો આવ્યો હોવા છતાં ફિલ્મે હજુ સુધી 38 કરોડનો બિઝનેસ કર્યો છે.

બૉક્સ ઓફિસ પર સુપરહીટ એક જ ફિલ્મ
છેલ્લા ત્રણ મહિનામાં બોલીવૂડે જો કોઈ ફિલ્મની કમાણીથી ખુશ થવા જેવું હોય તો તે છે વિકી કૌશલની પિરિયોડિકલ ફિલ્મ છાવા. આ એકમાત્ર ફિલ્મે બોકસઓફિસ છલકાવી છે. ફિલ્મનું બજેટ રૂ. 130 કરોડ હતું, પરંતુ ફિલ્મે રૂ. 555 કરોડની કમાણી કરી છે. ફિલ્મ હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે. આ એકમાત્ર ફિલ્મ કમાણીની દૃષ્ટિએ પહેલા ક્વાર્ટરમાં સફળ કહી શકાય તેમ છે.