ઇરા-નૂપુરના રિસેપ્શનમાં CM શિંદે સહિત બોલીવુડ સ્ટાર્સે આપી હાજરી, કિરણ રાવ કેમ ગાયબ?

ઉદયપુરમાં ભવ્ય ડેસ્ટીનેશન વેડિંગ બાદ Ira Khan અને nupur shikhareના મુંબઇ ખાતે યોજાયેલા રિસેપ્શનમાં બોલીવુડ સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત મોટી હસ્તીઓએ કપલને લગ્નની શુભકામનાઓ પાઠવી હતી.
હેવી રેડ શેડના લાલ લહેંગા સાથે સ્લીવલેસ બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટામાં ઇરા ખાન એક પરી સમાન સુંદર લાગી રહી હતી. તો નૂપુર પણ બ્લેક શેરવાની સુટમાં રૂઆબદાર લાગી રહ્યો હતો. જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આ રિસેપ્શન યોજાયું હતું.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ ઠાકરેનો પણ દમામ જોવા મળ્યો હતો. ત્રણેય ખાનોની ત્રિપુટી પણ રિસેપ્શનમાં સામેલ થઇ હતી, તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. બોલીવુડની વિતેલા જમાનાની દિગ્ગજ અભિનેત્રીઓ સાયરાબાનુ, રેખા, જયા બચ્ચન, તથા હેમા માલિની પણ આ રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યા હતા.
જો કે આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી, આ વિશે આમિરને પૂછવામાં આવતા તેણે એવો જવાબ આપ્યો હતો કે કિરણની તબિયત સારી ન હોવાથી તે રિસેપ્શન એટેન્ડ કરી શકી નથી. ફક્ત કિરણ જ રિસેપ્શનમાં હાજર ન હતી, એ સિવાય આમિર ખાનનો સંપૂર્ણ પરિવાર આ રિસેપ્શનમાં હાજર રહ્યો હતો. જુનૈદ ખાન, આઝાદ રાવ, પહેલી પત્ની રીમા, ઇમરાન ખાન અને તેની પત્ની લેખા વોશિંગ્ટન સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવયુગલે તમામની સાથે વારાફરતી ફોટોસેશન પણ કરાવ્યું હતું.