મુંબઈ: બોલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર વાશુ ભગનાની(Vashu Bhagnani) હાલ સવાલોના ઘેરામાં છે, એક અહેવાલ મુજબ તેમની ત્રણ ફિલ્મોમાં કામ કરનાર ક્રૂ સભ્યોને ₹65 લાખથી વધુ ચુકવવાના બાકી છે. અહેવાલ મુજબ, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) ના પ્રમુખ બીએન તિવારી(BN Tiwari )એ શુક્રવારે જણાવ્યું હતું કે ત્રણ ફિલ્મો મિશન રાણીગંજ, ગણપથ અને બડે મિયાં છોટે મિયાંના ક્રૂને પેમેન્ટ ચુકવવાનું બાકી છે.
અહેવાલ મુજબ FWICE પ્રમુખે કહ્યું કે ભગનાનીની કંપની, પૂજા એન્ટરટેઈનમેન્ટે ડિરેક્ટર ટીનુ દેસાઈને ₹33.13 લાખની ચુકવણી કરવાની છે. તેમણે 2023માં આવેલી ફિલ્મ મિશન રાનીગંજનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મ અક્ષય કુમારે અભિનય કર્યો હતો.
બીએન તિવારીએ એમ પણ કહ્યું કે અક્ષય કુમાર સ્ટારર મિશન રાણીગંજ, ટાઈગર શ્રોફ સ્ટારર ગણપથ (2023), અને અક્ષય કુમાર અને ટાઈગર સ્ટારર બડે મિયાં છોટે મિયાં (2024) સહિતની ફિલ્મોમાં કામ કરનારા 250 થી વધુ સેટ ક્રૂ મેમ્બરને ₹31.78 લાખ ચુકવવાના બાકી છે.
તેમણે કહ્યું કે “મિશન રાણીગંજના ડિરેક્ટર દ્વારા ગયા વર્ષે માર્ચમાં વાશુ ભગનાની પાસેથી ₹33.13 લાખના તેમના લેણાંની ચુકવણી ન કરવા અંગે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અમે પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે ફોલોઅપ કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં તેમણે પેમેન્ટ કર્યું નથી. તેઓએ કહ્યું છે કે જુલાઈના અંત સુધીમાં તેઓ બાકી લેણાંની ચુકવણી કરી દેશે.”
અગાઉ 19 માર્ચ, 2023ના રોજ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડાયરેક્ટર એસોસિએશન (IFTDA)ને નોંધાવેલી ફરિયાદમાં ટીનુ દેસાઈએ જણાવ્યું હતું કે તેમણે ફેબ્રુઆરી 2022 થી ઓક્ટોબર 6, 2023 (ફિલ્મની રિલીઝ તારીખ) સુધી મિશન રાનીગંજ ફિલ્મ માટે કામ કર્યું હતું. અહેવાલ મુજબ, કરાર મુજબ મળવાની રકમ ₹4,03,50,000 હતી, અને તેમને અત્યાર સુધીમાં માત્ર ₹3,70,36,092 મળ્યા છે.
FWICE પ્રમુખના જણાવ્યા અનુસાર, IFTDA એ પૂજા એન્ટરટેઈનમેન્ટને ઘણાં પત્રો લખ્યા છે, પરંતુ તેઓ ચુકવણીમાં વિલંબ કરતા રહ્યા.
FWICE પ્રમુખે કહ્યું કે “તેઓ જે કરી રહ્યા છે તે આ અયોગ્ય છે, તેઓ લક્ઝરી જીવન જીવી રહ્યા છે, અને જ્યારે બાકીની ચૂકવણીની વાત આવે છે ત્યારે તેઓ બહાના બનાવે છે. તેમના તાજેતરના ઇમેઇલમાં, તેઓએ કહ્યું છે કે તેઓ જુલાઈના અંત સુધીમાં બાકી રકમ ચૂકવી દેશે પરંતુ જો તેઓ ચુકવણી નહીં કરે તો અમારા સભ્યો તેમની કોઈપણ ફિલ્મ પર કામ કરશે નહીં.”