તો શું ભારતને 30 વર્ષ પછી નવી ‘Aishwarya Rai’ મળશે?, હવે ‘મિસ વર્લ્ડ સ્પર્ધા’ ઘરઆંગણે યોજાશે
ભારત માટે ફરી એકવાર ગર્વની ક્ષણ આવવાની છે. 27 વર્ષ બાદ ભારત ’71મી મિસ વર્લ્ડ પેજન્ટ’ની યજમાની કરવા માટે તૈયાર છે. શુક્રવારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે 120 દેશોના મોડલ ભારતમાં આવીને આ સ્પર્ધામાં ભાગ લેવાના છે. ભારતના નામે અત્યાર સુધી 6 મિસ વર્લ્ડ રેકોર્ડ છે. હવે આ વખતે ઘરઆંગણે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારતને ઐશ્વર્યા રાય જેવી વધુ 1 સુંદર વિજેતા મળી શકે છે. છેલ્લી વખત ભારતે 1996 માં મિસ વર્લ્ડ સ્પર્ધાની યજમાની કરી હતી, જેને 27 વર્ષ થયા છે.
અગાઉ આ સ્પર્ધા 1996માં બેંગ્લોરમાં યોજાઈ હતી. હવે ફરી એકવાર આપણા દેશમાં મિસ વર્લ્ડ યોજાવા જઈ રહી છે. નવીનતમ માહિતી અનુસાર, ફેમિના મિસ ઈન્ડિયા 2022 વિજેતા સિની શેટ્ટી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 18 ફેબ્રુઆરીથી 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે. આ પછી 71મી મિસ વર્લ્ડ પેજન્ટની ગ્રાન્ડ ફાઈનલ 9 માર્ચે મુંબઈના જિયો કલ્ચરલ સેન્ટરમાં યોજવામાં આવી છે. આ સ્પર્ધા ‘Sony LIV’ પર લાઇવ ટેલિકાસ્ટ થશે. સ્પર્ધામાં ભારતની વિજેતા હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
વર્ષ 1951માં શરૂ થયેલી ‘મિસ વર્લ્ડ સ્પર્ધા’ અત્યાર સુધીમાં ભારતને છ વિશ્વ સુંદરીઓ આપી ચૂકી છે. રીટા ફારિયાએ 1966માં પહેલીવાર મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. જે બાદ 1994માં ઐશ્વર્યા રાયે આ સ્પર્ધા જીતી હતી. ડાયના હેડને આ તાજ વર્ષ 1997માં પહેર્યો હતો અને યુક્તા મુખીએ 1999માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. આ પછી વર્ષ 2000માં પ્રિયંકા ચોપરા અને માનુષી છિલ્લરે 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.