મતદાન માટે બોલિવૂડ ઉમટ્યું, આ અભિનેતાએ મતદાન ન કરનારાઓને સજાનું સૂચન કર્યું
મુંબઇ: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં મુંબઇની 6 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે મતદાન કરનાર સેલિબ્રિટીઓમાં અક્ષય કુમાર, જ્હાન્વી કપૂર, ફરહાન અખ્તર, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા, શ્રિયા સરન અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. અક્ષય કુમારે ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત મતદાન કર્યું છે. 5માં તબક્કામાં મહારાષ્ટ્રની 13 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ પણ મતદાન કરી આવ્યા છે. મતદાન કર્યા પછી પરેશ રાવલે મીડિયા સાથે વાત કરી હતી અને ચૂંટણીના મતદાનમાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નાગરિકોને તેમની નાગરિક ફરજો માટે જવાબદારી લેવાની અપીલ કરતાં પરેશ રાવલે કહ્યું હતું કે, ‘તમે કહો છો કે, સરકાર આ નથી કરતી… સરકાર તે નથી કરતી…. જો તમે આજે મતદાન નહીં કરો તો તમે જ જવાબદાર રહેશો અને નહીં કે સરકાર…. પરેશ રાવલે મતદાન ન કરનાર મતદારો માટે દંડનો અમલ કરવાનું પણ સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ‘જે લોકો મત નથી આપતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા અન્ય કોઈ સજા જે તેમને મતદાન કરવા પ્રેરે.’