બસ નામ હી કાફી હૈ…એક એવું નામ જે લખીએ એટલે આગળ કંઈ લખવાની જરૂર ન પડે અને જો લખવાનું શરૂ કરીએ તો કલમ ક્યાં રોકવી તે ખબર ન પડે. અમિતાભ બચ્ચન. હિન્દી ફિલ્મજગતના શહેનશાહ આજે 82 વર્ષના થયા છે. આમ તો બચ્ચન માટે ઉંમર ખરેખર માત્ર એક આંકડો જ છે. આજે પણ એટલા જ એક્ટિવ અને ચુસ્ત લાગતા બચ્ચને હિન્દી ફિલ્મજગતને 54 વર્ષ આપ્યા છે. આ અડધી સદીના અરસામાં શૂન્યથી સર્જન, ફરી સર્જનમાંથી શૂન્ય પર આવી જવું અને ત્યાર બાદ ફરી સર્જન કરવું. માત્ર પડદા પરના જ નહીં રિયલ લાઈફના હીરો પણ છે અમિતાભ. નિષ્ફળતા, બદનામી વગેરેથી વિચલિત ન થતાં જીવનમાં કઈ રીતે આગળ વધી પોતાનો મકામ બનાવવો તે શિખવા માટે ફિલ્મજગતમાં લગભગ બીગ બી જેવું કોઈ નથી.
તમને એ તો ખબર જ હશે કે અમિતાભ ઑલ ઈન્ડિયા રેડિયોમાં એનાઉન્સમેન્ટ કરવા માટે કોશિશ કરતા હતા. અમિન સાયાની તેમનો ઈન્ટરવ્યુ લેવાના હતા, પરંતુ વાત જામી નહીં, પણ તમને એ જણાવી દઈએ કે અમિતાભે હિન્દી ફિલ્મમાં પ્રવેશ આ અવાજના લીધે જ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ ભુવન શોમ ( 1969) હતી. ના, અભિનેતા તરીકે નહીં પણ નરેટર તરીકે હિન્દી સિનેમામાં તેમણે પગ મૂક્યો હતો. આની માટે તેમને રૂ. 300 મળ્યા હતા અને બચ્ચન ખૂબ ખુશ હતા કારણ કે ખૂબ જ તકલીફમાં તેઓ જીવન પસાર કરી રહ્યા હતા.
જોકે આ જ વર્ષમાં તેમને સાત હિન્દુસ્તાની મળી અને રૂ. 5000 પણ. ત્યારબાદ રેશમા ઔર શેરામાં મૂકબધિર છોટુનો રોલ કર્યો, પણ તે પછી આવી ઑલ ટાઈમ ક્લાસિક આનંદ. સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેની આ ફિલ્મના બાબુ મોશાય એટલે કે અમિતાભ લોકોની નજરમાં આવ્યા કારણ કે ફિલ્મ સુપરહીટ સાબિત થઈ. આ ફિલ્મ સુધી સેન્સિબલ નવો છોકરડો હતો અમિતાભ, પણ 1973માં આવી ફિલ્મ ઝંઝીર અને બોલીવૂડનો મળ્યો તેનો એંગ્રી યંગમેન. બસ પછી તો ન દિવસ ન રાત, બચ્ચનનો સિતારો એટલો ચમક્યો કે બધાની આંખો અંજાઈ ગઈ. એક તરફ દિવાર, શોલે, ખુદ્દાર, નમકહરામ, મર્દ, કુલી જેવી ફિલ્મોમાં ઢીશુમ ઢીશુમ કરતો આ લંબુ તો બીજી બાજુ ચુપકે ચપકે, બેમિસાલ, મિલી, અભિમાન જેવી ઉત્તમ કક્ષાની ફિલ્મો અને તેમાં પણ બચ્ચનની જાદુગરી. ફિલ્મનું ઝોનર ગમે તે હોય બચ્ચન દરેકમાં ખિલી ઉઠતા. આ સાથે તેમનો બેજોડ અવાજ અને સ્પેશિયલ ડાન્સિંગ સ્ટાઈલ.
જોકે આ ગોલ્ડન પિરિયડ લાંબો ચાલ્યો પણ હંમેશાં રહ્યો નહીં. સૂર્ય પૂરા તેજ સાથે ચમકતો હતો ત્યાં ગ્રહણ લાગ્યું. રાજકારણમાં નિષ્ફળ એન્ટ્રી, રાજીવ ગાંધી સાથે તરડાયેલા સંબંધો, બોફર્સ કાંડમાં કથિત સંડોવણીના અહેવાલોએ તેમને પરેશાન કર્યા તેવામાં તેમની કંપની એબીસીએલ પડી ભાંગી અને દેવામાં ડૂબી ગયા. એક સમયે અમિતાભને ફિલ્મમાં સાઈન કરવા ઘર બહાર લાઈન લાગતી, લોકો એક ઝલક કે એક ઓટોગ્રાફ માટે પડાપડી કરતા ત્યારે હવે ઘરની બહાર દેવાદારો આવવા લાગ્યા. કોઈપણ મજબૂત મનનો માણસ પણ ડગી જાય પણ બીગ બી ન ડગ્યા. અમુક બ્રી ગ્રેડ જેવી ફિલ્મો કરી જેમતેમ સર્વાઈવ કર્યું. ત્યારબાદ આવ્યું કૌન બનેતા કરોડપતિ. આ શૉને બીગ બી હૉસ્ટ કરી રહ્યા તે ખબર બહાર આવતા લોકોએ મજાક પણ ઉડાડી અને ટીકા પણ કરી. પણ કહેવાની જરૂર નથી આ શૉએ બીગ બીના જીવનમાં કેવો પલટો આણ્યો અને હૉસ્ટ તરીકે પણ આ કલાકાર સુપરસ્ટાર જ સાબિત થયો. માથા પરનું બધુ દેવું ઉતાર્યું ને ફરી શરૂ કરી ઊંચી ઉડાન.
આજે આ શૉની 16મી સિઝન ચાલે છે અને બીગ બીનો જાદુ હજુય બરકરાર છે. આ સાથે હજુ તેમના નામે ફિલ્મો ચાલે છે અને નિર્માતાઓ જો બચ્ચન કિમિયો માટે પણ આવી જાય તો પણ રોકડી થઈ જશે તેમ માને છે.
આ વર્ષો દરમિયાન ઘણા વિવાદોમાં ફસાયા, પર્સનલ લાઈફ પણ ચર્ચામાં જ રહી, આજે પણ પુત્રવધુ ઐશ્વર્યા રાય સાથેના પરિવારના સંબંધોને લઈ વિવાદો રોજ ચાલે જ છે, પણ બચ્ચન ડગ્યા નથી. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ કહી દે છે કે જીવન જીવવાનો જુસ્સો હજુ અકબંધ છે અને એટલે જ કહી શકાય બચ્ચન માટે ઉંમર માત્ર એક આંકડો જ છે.
એક સ્ટાર તરીકે બચ્ચન તમને ગમે કે ન ગમે પણ એક મધ્યમવર્ગીય પરિવારના સંઘર્ષ કરીને આગળ વધેલા છોકરા તરીકે તેમનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે.
બીગ બી…તમે જૂગ જૂગ જીવો…