એ આર રહેમાનના બચાવમાં ઉતરી એક્સ વાઇફ સાયરા
ગીતકાર અને ગાયક એઆર રહેમાન હાલમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી અને જાહેરાત કરી હતી કે તેઓ તેમની પત્ની સાયરા બાનુથી અલગ થઈ ગયા છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. પરંતુ, અહીં સુધી તો બધું ઠીક હતું, પણ પછી મામલો વધુ ગરમાયો જ્યારે એઆર રહેમાનના બેન્ડની સભ્ય બાસિસ્ટ મોહિની ડેએ તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી. આ પછી તો જાણે અફવાઓનું વાવાઝોડું આવ્યું અને જોતજોતામાં રહેમાન અને મોહિનીના લિંક અપના સમાચારે વેગ પકડ્યો હોત, ત્યારબાદ સંગીતકારે અફવા ફેલાવનારાઓને કાનૂની નોટિસ પાઠવી અને તેમની સામેની અફવાઓ દૂર કરવા કહ્યું. તે જ સમયે, હવે તેમની પત્ની સાયરા બાનુએ પણ પ્રતિક્રિયા આપી છે અને લિંક અપના સમાચારને ખોટા ગણાવ્યા છે.
પતિ એઆર રહેમાનથી અલગ થયા બાદ સાયરા બાનુએ એક વોઈસ નોટ શેર કરીને પતિને ટેકો આપ્યો છે. તેમણે લોકોને ખોટી અફવાઓ ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરી છે. તેણે છૂટાછેડાનું કારણ પણ જાહેર કર્યું છે. સાયરા બાનુએ છૂટાછેડાના કારણ પર સૌપ્રથમ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે , ‘હું છેલ્લા કેટલાક સમયથી બીમાર છું અને સારવાર માટે મુંબઈ આવી છું. આ કારણોસર મેં રહેમાનથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. હું યુટ્યુબર્સ અને તમિલ મીડિયાને વિનંતી કરવા માંગુ છું કે તેમની વિરુદ્ધ કંઈપણ ખોટું ન બોલે.
બાસિસ્ટ મોહિની ડે સાથે રહેમાનના લિંકઅપના સમાચાર પર પ્રતિક્રિયા આપતા સાયરાએ જણાવ્યું હતું કે , ‘રહેમાન ખૂબ જ સરસ અને વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ છે. મારી બીમારીને કારણે જ મારે ચેન્નાઈ છોડવું પડ્યું. ચેન્નાઈમાં તેમના વ્યસ્ત શેડ્યૂલને કારણે મારા માટે ઇલાજ કરાવવાનું શક્ય ન બન્યું હોત. સાયરાએ લોકોને વિનંતી કરી હતી કે, ‘મને તેમનામાં પૂરો વિશ્વાસ છે, હું તેમને ઘણો પ્રેમ કરું છું અને તેઓ પણ મને ઘણો કરે છે. હું તમને વિનંતી કરવા માંગુ છું કે તેમના પર ખોટા આરોપો ન લગાવો. આ સમયે અમને એકલા છોડો. સહુને ભગવાનના આશીર્વાદ મળે.
અંતમાં સાયરાએ એમ પણ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ચેન્નઇ પરત ફરશે. લોકોએ એના પરત ફરવાની રાહ જોવી જોઇએ. તેના અને રહેમાન વચ્ચે હજુ સુધી કંઈ સત્તાવાર કરવામાં આવ્યું નથી, તેથી તેમનું (રહેમાન)નું નામ ખરાબ કરવાનું બંધ કરવું જોઇએ. બધી અફવાઓ બકવાસ છે. તેઓ એક રતન છે.
એઆર રહેમાને 1995માં સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે, જેમના નામ ખતીજા, રહીમા અને અમીન છે. તેમણે લગ્નના 29 વર્ષ પછી તેમના અલગ થવાની જાહેરાત કરતા જ હંગામો થયો હતો. રહેમાનના છૂટાછેડા બાદ તેમની ટીમ મેમ્બરે પણ તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. જે બાદ બંનેના અફેરના સમાચાર વહેતા થયા હતા.