કંગના રનૌત ખોલે છે બોલિવૂડ પાર્ટીઓની પોલ…
અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતનો બોલિવૂડના મોટાભાગના કલાકારો સાથે 36નો આંકડો છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે પરંતુ ન તો તેને બોલિવૂડની પાર્ટીઓમાં જવાનું પસંદ છે કે ન તો તે કોઈ અભિનેતા સાથે હરતી ફરતી જોવા મળે છે. હાલમાં તે તેની ફિલ્મ ઇમરજન્સીને લઇને ચર્ચામાં છે. આ ફિ્લ્મમાં તેણે ઇન્દિરા ગાંધીનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. ફિલ્મના પ્રમોશન અને પબ્લિસિટી માટે તે હાલમાં ઇન્ટરવ્યુ આપી રહી છે.
બોલિવૂડમાં તેના કોઈ મિત્રો ન હોવાના અને ઇન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં હાજરી ન આપવાના પ્રશ્ન પર કંગના રનૌતે કહ્યું હતું કે તે બોલિવૂડ પ્રકારની વ્યક્તિ નથી અને આવી પાર્ટીઓમાં આવતી દરેક વ્યક્તિ મૂર્ખ અને અવિવેકી હોય છે. અભિનેત્રીએ કહ્યું કે ફિલ્મ પાર્ટીઓમાં લોકો બ્રાન્ડેડ ઘડિયાળો, બેગ, મોંઘી કાર, એકબીજાના સંબંધો અને ફિટનેસ સિવાય કોઈ વાત નથી કરતા. કંગનાએ એ પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેઓ શૂટિંગ નથી કરતા ત્યારે સ્ટાર્સનું શેડ્યૂલ કેવું હોય છે.
બોલિવૂડ સ્ટાર્સને સ્ટુપિડ, બ્રેઈનલેસ કહેતી કંગના રનૌતને પૂછવામાં આવ્યું કે શું બોલિવૂડમાં તેના કોઈ મિત્રો છે? તો અચાનક આ સવાલ પર ગંભીર બનીને કંગના રનૌતે કહ્યું, “જુઓ, હું બોલિવૂડ પ્રકારની વ્યક્તિ નથી, ઠીક છે. હું બોલિવૂડના લોકો સાથે મિત્રતા કરી શકીશ નહીં, એ વાત ચોક્કસ છે.” “બોલિવૂડના લોકો પોતાનાથી ભરેલા છે. કંગનાએ કહ્યું હતું કે તેણે બોલિવૂડમાં ઘણો સમય વિતાવ્યો છે અને આ લોકોને તે સારી રીતે જાણે છે. આ લોકો જો શૂટિંગ ન કરતા હોય, તો તેમનો નિત્યક્રમ સવારે મોડા મોડા જાગવું, જિમ કરવું, ખાવું, બપોરે સૂવું, પછી જાગવું, કંઈક જોવું અને પછી સૂઈ જવું. જ્યારે તેઓ મળે છે ત્યારે તેમની પાસે વાત કરવા માટે કંઈ હોતું નથી, તેઓ ફક્ત પીવે છે, તેમના કપડાં અને એસેસરીઝની ચર્ચા કરે છે, બસ. શૂટિંગ ન કરતી વખતે તે આટલું જ કરે છે.
કંગના રનૌતે કહ્યું હતું કે તે તેમની સાથે મિત્ર બની શકતી નથી તેમને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનો કોઈ ખ્યાલ નથી. તેને બોલિવૂડમાં એક પણ યોગ્ય વ્યક્તિ મળી નથી.
કંગના રનૌતે જણાવ્યું હતું કે કેવી રીતે લોકો પાર્ટીઓમાં દંભી વર્તન કરે છે અને ફેન્સી અને વિદેશી ઉચ્ચાર સાથે બળજબરીથી અંગ્રેજી બોલીને શાનદાર દેખાવાનો પ્રયાસ કરે છે. કાર અને મોંઘી બેગ વિશે વાત કરે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, “તમને આશ્ચર્ય થશે કે મેં બોલિવૂડમાં એક સારી વ્યવસ્થિત વ્યક્તિને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો જે બ્રાન્ડેડ બેગ અને કારથી ઉપરની વાત કરી શકે.” કંગના રનૌતે કહ્યું કે માત્ર દિગ્દર્શકો અને લેખકો જ આ બાબતોથી ઉપર ઉઠ્યા છે, પરંતુ તેમની ઉંમર અલગ હોવાને કારણે તે તેમની સાથે ફરતી નથી. કંગના રનૌતે જણાવ્યું હતું કે બોલિવૂડની પાર્ટીઓમાં જવું એ આઘાતથી ઓછું નથી. તેઓ એકબીજાની ડેટિંગ કે રિલેશનશિપ વિશે વાત કરતા રહે છે અથવા તો એકબીજાની ફિટનેસ વિશે વાત કરે છે.
કંગના રનૌતે એમ પણ કહ્યું હતું કે મારા માટે તે પાર્ટીઓમાં જવું કોઈ આઘાતથી ઓછું નથી. તે આ પાર્ટીઓમાં જઈ શકતી નથી.