‘મારી સાથે ક્યારેય રોમેન્ટિક નહોતા…’ અમિતાભ સાથેના સંબંધો પર આ શું બોલ્યા જયા બચ્ચન!
બોલીવુડની પીઢ અભિનેત્રી જયા બચ્ચન હંમેશા પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જ તેમણે પોતાની માસુમ સ્ટાઇલથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. સદીના મેગાસ્ટાર રહેવાતા અભિનેતા અમિતાભ બચ્ચન સાથેના તેમના લગ્નને 50 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તેમની લવ સ્ટોરી પણ અદભુત રહી છે. એવામાં જયા બચ્ચનનું એક જુનો ઇન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અમિતાભ બચ્ચન સાથેના તેમના સંબંધો વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે.
અમિતાભ- જયા 1998માં સિમી ગરેવાલના શો ‘રેન્ડેઝવસ વિથ સિમી ગરેવાલ’માં જોવા મળ્યા હતા, જેમાં જયાએ અમિતાભ સાથેના તેના રોમેન્ટિક સંબંધો વિશે જણાવ્યું હતું. આ શોમાં જયા બચ્ચને તેમના પતિ અમિતાભ સાથેના સંબંધો અને બોન્ડ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે પોતાના લગ્ન અને રોમાન્સ વિશેના ઘણા રહસ્યો પણ જાહેર કર્યા હતા. આ મુલાકાતમાં અમિતાભ બચ્ચને પત્ની તરીકે જયા બચ્ચનને દસમાંથી સાત માર્ક્સ આપ્યા હતા જ્યારે અભિનેત્રીએ બિગ બીને દસમાંથી પાંચ માર્ક્સ આપ્યા હતા અને જણાવ્યું હતું કે તેના પતિ અમિતાભ બચ્ચનમાં ઘણી ખામીઓ છે તેઓ ઘણી બધી વસ્તુઓ સમયસર નથી કરતા અને તેઓ શિસ્તબદ્ધ પણ નથી. તેઓ ક્યારેય સમયસર જમતા નથી. ખોરાક ઠંડો થઇ જાય પણ તેઓજમવા આવતા નથી.
જ્યારે સિમીએ અમિતાભને પૂછ્યું હતું કે શું તેઓ પોતાને રોમેન્ટિક માને છે તો તેમણે તેનો જવાબ ના માં આપ્યો હતો. તે સમયે તેમની બાજુમાં બેઠેલા જયાએ હસીને જણાવ્યું હતું કે, ‘મારી સાથે નહી અને ઉમેર્યું હતું કે, તમને આશ્ચર્ય થશે કે અમે દરરોજ વાત કરતા નથી. લગ્ન પછી પણ અમિતાભ મારી સાથે બહુ રોમેન્ટિક નહોતા. કદાચ તેઓ તેની ગર્લફ્રેન્ડ સાથે વધુ રોમેન્ટિક હોત પણ મને લાગે છે કે એવું નથી. જયાના આવા જવાબથી પળભર માટે અમિતાભ બચ્ચન પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે, જયાએ મર્માળુ સ્મિત કરીને બાજી વાળી લીધી હતી.
શો હોસ્ટે કપલને સવાલ કર્યો હતો કે રોમેન્ટિક બનવાનો અર્થ શું છે, ત્યારે જયાએ જવાબ આપ્યો હતો કે તેમાં પાર્ટનર માટે ફૂલ ગિફ્ટ લાવા જેવા કાર્યનો સમાવેશ થાય છે. જોકે, અમિતાભે આ વિચારને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે મેં ક્યારેય આવું કર્યું નથી.
જયાએ જણાવ્યું હતું કે તેમનું નામ અમિતાભ બચ્ચનની પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી નીચે આવે છે., તેમના લિસ્ટમાં પહેલા પેરેન્ટ્સ પછી બાળકો, પછી પ્રોફેશન અને પછી જયા આવે છે.
અભિનેત્રી રેખાના કારણે બંને વચ્ચે મતભેદો હોવાની અફવા અને લાઇફમાં ઘણા ઉતાર-ચઢાવ હોવા છતાં પણ અમિતાભ-જયાનો સંબંધ હંમેશા અકબંધ રહ્યો છે. જયા બચ્ચને પણ અમિતાભ અને રેખાના અફેર વિશે વધુ ચર્ચા કરી નથી.