
મુંબઈ : બોલીવુડના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું. 1 જાન્યુઆરી, 1941 ના રોજ જયપુરમાં જન્મેલા અસરાનીએ 1960 ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘શોલે’માં ‘ અંગ્રેજો કે જમાને કે જેલર’ ની તેમની ભૂમિકા યાદગાર રહી છે. તેમજ ‘ખટ્ટા મીઠા’ અને ‘ચુપકે ચુપકે’ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાને લોકોને વખાણી હતી.
ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો
હીરો તરીકે અસરાનીની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ‘અમદાવાદનો રિક્ષાવાળો’, ‘સાત કૈદી’, ‘સંસાર ચક્ર’, ‘પંખીનો માળો’, ‘જુગલ જોડી’, ‘માબાપ’, ‘છેલ છબીલો ગુજરાતી’ કામ કર્યું હતું.
આ ઉપરાંત, સહાયક અભિનેતા અને કોમેડિયન તરીકેની ફિલ્મોની વાત કરીએ તો ‘મોટા ઘરની વહુ’, ‘પિયુ ગયો પરદેશ’, ‘બાપ ધમાલ દીકરા’, ‘વાયા વિરમગામ’, ‘પારકા પોતાના’, ‘ઘર ઘરની વાત’ અને ‘નસીબદાર’નો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમની તાજેતરની ફિલ્મોમાં ઉન્ધીનાપુર (2019), શું કરીશું (2016), ફિલ્લમ (2016) અને નસીબદાર (2016)નું નામ લેવાય છે.

1967 માં ફિલ્મ ‘હરે કાંચ કી ચૂડિયાં’થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ
અસરાનીના અચાનક અવસાનથી લોકો અને ફિલ્મ સ્ટારોમાં શોકનો માહોલ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન સેંકડો ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1 જાન્યુઆરી, 1941ના રોજ જયપુરમાં જન્મેલા અસરાનીએ જયપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાજસ્થાન કોલેજમાંથી સ્નાતક થયા હતા. અસરાનીએ 1967 માં ફિલ્મ ‘હરે કાંચ કી ચૂડિયાં’થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
પાત્રો દ્વારા હંમેશા જીવંત રહેશે
અસરાનીની કોશિશ (1973), બાવર્ચી (1972), ચુપકે ચુપકે (1975), છોટી સી બાત (1975), અને શોલે (1975) તેમની સૌથી યાદગાર ફિલ્મો છે. અસરાની હવે આ દુનિયામાં નથી પણ તેઓ તેમના પાત્રો દ્વારા હંમેશા જીવંત રહેશે.
નિધનના સમાચાર કોઈને જણાવવા નહીં
મળતી માહિતી પ્રમાણે અસરાની ઈચ્છતા નહોતા કે તેમના નિધન પછી કોઈ મોટી હિલચાલ થાય કે પછી શોરબકોર. તેમણે તેમના પત્ની મંજૂ અસરાનીને પહેલા કહ્યું હતું કે તેમના નિધનના સમાચાર કોઈને જણાવવા નહીં. આ જ કારણથી પરિવારે કોઈ જાહેરાત ચૂપચાપ અંતિમસંસ્કાર કરી દીધા હતા. અસરાનીના અંતિમસંસ્કાર આજે સાંજના સાંતાક્રુઝ સ્થિત શાસ્ત્રીનગર સ્મશાનભૂમિમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં શાંતિપૂર્વક કરવામાં આવ્યા હતા.